સરકારી શાળાઓએ પણ પરિણામમાં મારી બાજી, હળવદની મોડેલ સ્કૂલનું 100 ટકા પરિણામમોરબી : આજ રોજ રાજ્યમાં ગુજરાત બોર્ડની ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. પરિણામને લઈને સવારથી વિદ્યાર્થીઓમાં ક્યાંક ઉત્સાહ તો ક્યાંક નિરાશા જોવા મળી રહી છે. જો કે વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લાએ બાજી મારી છે. વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો સતત ત્રીજા વર્ષે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે રહ્યો છે.વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું 92.91 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષે 92.80 ટકા હતું. એટલે કે ગત વર્ષ કરતાં પરિણામમાં વધારો થયો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં હળવદ કેન્દ્રમાં કુલ 488 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 464 વિદ્યાર્થીઓ પાસ થયાં છે અને 24 વિદ્યાર્થીઓ અસફળ રહ્યા છે. એટલે કે હળવદ કેન્દ્રનું 95.08 ટકા પરિણામ આવ્યું છે. મોરબી કેન્દ્રની વાત કરીએ તો 966 વિદ્યાર્થીઓમાંથી 890 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 77 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. એટલે કે મોરબી કેન્દ્રનું 92.13 ટકા પરિણામ આવ્યું છે. વાંકાનેર કેન્દ્રમાં 281 વિદ્યાર્થીઓમાંથ 258 પાસ થયા છે અને 23 વિદ્યાર્થીઓ નાપાસ થતાં 91.81 ટકા પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લામાં કુલ 1735 વિદ્યાર્થીઓમાંથી 1612 પાસ થયા છે અને 124 નાપાસ થયા છે. જેમાંથી 47 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જે ગત વર્ષે માત્ર 30 વિદ્યાર્થીઓએ જ મેળવ્યો હતો. આ ઉપરાંત 261 વિદ્યાર્થીઓએ A2, 435 વિદ્યાર્થીઓએ B1, 360 વિદ્યાર્થીઓએ B2, 310 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લાની સરકારી શાળાઓએ પણ બાજી મારી છે. જેમાં હળવદની મોડેલ સ્કૂલના 25માંથી 25 વિદ્યાર્થીઓ પાસ થતાં 100 ટકા પરિણામ આવ્યું છે. તો વાંકાનેર મોડેલ સ્કૂલનું 91.30 ટકા, મોડેલ સ્કૂલ મોટી બરારનું 90.90 ટકા અને વી.સી. ટેક હાઈસ્કૂલ મોરબીનું 75.86 ટકા પરિણામ આવ્યું છે. ગ્રાન્ટેડ શાળામાં ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયનું 92.31 ટકા અને વાંકાનેરની વી.એસ. શાહ વિદ્યાલયનું 77.78 ટકા પરિણામ આવ્યું છે.