માળિયા અને રણકાંઠાના વિસ્તારોમાં ઘઉં-જીરુંના પાકને ફટકો, સોલાર પેનલોને નુકશાનમોરબી : હવામાન વિભાગ દ્વારા ૧૮, ૧૯ અને ૨૦ તારીખ માટે આપવામાં આવેલી આગાહી મુજબ આજે વેહલી સવારે મોરબી જિલ્લામાં ભારે પવનની અસર જોવા મળી છે. આગાહીના પ્રથમ દિવસે જ વેહલી સવારે ફૂંકાયેલા ભારે પવનના કારણે માળિયા, હળવદ તેમજ મોરબીના દરિયાકાંઠા અને રણકાંઠાના ગામોમાં નુકસાન નોંધાયું છે. ખેતીમાં ઘઉં અને જીરુંના પાથરા પવનમાં ઉડી ગયા હોવાના અહેવાલ છે. રણ વિસ્તારમાં કામ કરતા અગરિયાઓની સોલાર પેનલો પણ ભારે પવનને કારણે ઉડી ગઈ હતી. આ નુકસાની મુખ્યત્વે ટીકર બાજુના રણ, વઢરવા, માણાબા વઢરવા, વર્ષામેડી અને માળિયાના દરિયાકાંઠાના ગામોમાં જોવા મળી છે.બીજી તરફ વાંકાનેર, ટંકારા, મોરબી અને હળવદના બોર્ડરના ગામોના સરપંચો પાસેથી મળેલી માહિતી મુજબ આ વિસ્તારોમાં નુકસાની જાજી નથી થઈ. વાંકાનેરના અમુક ગામોમાં પવનની અસર પણ જોવા મળી ન હતી. ટંકારામાં પવન ફૂંકાયો હતો પરંતુ ૮૦ થી ૯૦ ટકા ઘઉંનો પાક લેવાઈ ગયો હોવાથી અને માત્ર ૧૦ થી ૨૦ ટકા પાક જ ખેતરમાં બાકી હોવાથી ખેડૂતોને મોટું નુકસાન ટળ્યું છે. મોરબી પંથકમાં પણ નુકસાનીના અહેવાલો બહુ ઓછા જોવા મળ્યા છે.સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો, સિરામિક એસોસિએશનના પ્રમુખ સાથે થયેલી વાતચીત મુજબ ઉદ્યોગમાં કોઈ મોટું નુકસાન નોંધાયું નથી. સેનિટરીવેર ઉદ્યોગમાં બહાર રાખેલો કાચો માલ કે ૫-૧૦ નંગ જેટલી વસ્તુઓ પવનના કારણે પડી જવાથી એકદમ સામાન્ય નુકસાન થયું છે. ઉદ્યોગમાં પતરા ઉડવા જેવી કોઈ મોટી નુકસાનીના સમાચાર હાલ સુધી પ્રાપ્ત થયા નથી.હળવદના નવા ઘનશ્યામગઢ ગામે વાડીઓમાં છાપરા અને પતરા ઉડ્યાવાવાઝોડા અને ભારે પવનના કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. હળવદના ઘનશ્યામગઢ ગામના ખેડૂત ઘનશ્યામભાઈ લોરીયાએ આપેલી માહિતી મુજબ, આશરે પોણા ત્રણથી પોણા ચાર વાગ્યા સુધી ભારે પવન ફૂંકાયો હતો. આ પવન એટલો પ્રચંડ હતો કે વાડીએ બનાવેલા માળખાના પતરા ઉડી ગયા હતા. એટલું જ નહીં, પતરાને ટેકો આપવા માટે લગાવવામાં આવેલી લોખંડની એંગલો પણ જમીનમાંથી ઉખડીને 44 ફૂટ જેટલી દૂર જઈને પડી હતી, જેનાથી મોટું નુકસાન સર્જાયું છે. ખેતીના પાક અંગે વાત કરતા ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, સદનસીબે તેમની આસપાસના ખેતરોમાં ઘઉં સહિતનો મોટાભાગનો પાક અગાઉથી જ ઉતારી લેવામાં આવ્યો હોવાથી પાકને કોઈ નુકસાન થયું નથી. જોકે, જે ખેડૂતોના ખેતરમાં હજુ ઘઉંનો પાક ઊભો છે ત્યાં નુકસાની થઈ હોવાની શક્યતા છે. વાઝોડાથી રણકાંઠાના વિસ્તારોમાં વ્યાપક નુકસાની : ટીકર, કીડી સહિતના ગામોમાં સોલાર પેનલો ઉડી ગઈટિકર રણના ધર્મેન્દ્ર એરવાડિયાએ જણાવ્યું કે ગઈકાલે આવેલા વાવાઝોડા અને ભારે પવનના કારણે રણકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે. ખાસ કરીને ટીકર, કીડી, ખોડ, જોગડ, નિયાણી, અજિતગઢ અને માનગઢ જેવા રણ વિસ્તારોમાં અગરિયાઓને પુષ્કળ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. રણમાં પાણીના બોર ચલાવવા માટે અગરિયાઓ દ્વારા લગાવવામાં આવેલી અનેક સોલાર પેનલો ભારે પવનમાં ઉડી ગઈ છે અને તૂટી ગઈ છે. બીજી તરફ, ખેડૂતોને પણ આ વાવાઝોડાનો મોટો આર્થિક ફટકો પડ્યો છે. ભારે પવનના કારણે ખેતરોમાં તૈયાર થયેલા ચણા અને ધાણાના પાક ઉડી જવાથી વેરવિખેર થઈ ગયા છે. આ ઉપરાંત જીરુંના પાથરા પણ પવનમાં ઉડી જવાથી નુકસાન થયું છે. જોકે, રાહતના સમાચાર એ છે કે ઘઉં અને વરિયાળીના પાકમાં સામાન્ય નુકસાની જોવા મળી છે. માળિયાના વર્ષામેડી સહિતના કાંઠાળ વિસ્તારોમાં વાવાઝોડાની અસરમાળિયાના વર્ષામેડી ગામના કાંતિભાઈ પેથાપરાએ જણાવ્યું કે ગઈકાલે આવેલા વાવાઝોડા અને ભારે પવનના પગલે માળિયા તાલુકાના કાંઠાળ વિસ્તારોમાં અસર જોવા મળી છે. ખાસ કરીને વર્ષામેડી ગામ અને આસપાસના વિસ્તારોમાં પવનના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતરોમાં પશુઓ માટે વાવવામાં આવેલો ઊભો ઘાસચારો (ચાહઠિયા) પવનના કારણે જમીનદોસ્ત થઈ ગયો છે. જોકે, રાહતની વાત એ છે કે હાલમાં ખેતરોમાં અન્ય કોઈ પાક ઊભો ન હોવાથી ખેડૂતોને કોઈ મોટું આર્થિક નુકસાન થયું નથી. મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોએ ઘઉંનો પાક ઉતારી લીધો છે અને પાણીની અછતને કારણે અન્ય કોઈ નવું વાવેતર કરવામાં આવ્યું ન હોવાથી, માત્ર ઘાસચારાને જ અસર પહોંચી છે.વરસાદી છાંટાથી જીરું, રાય અને ઘઉંના પાકને વ્યાપક અસરજેતપર મચ્છુ ગામના વિપુલભાઈ કંડીયાએ જણાવ્યું કે ગત રાત્રે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. રાત્રે અંદાજિત 3:30 થી 4:15 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ભારે પવન સાથે વરસાદના છાંટા પડ્યા હતા. અડધી કલાક સુધી ચાલેલા આ કમોસમી માવઠાના કારણે રસ્તાઓ પલળી ગયા હતા. જોકે વાવાઝોડા જેવી ગંભીર પરિસ્થિતિ ન હતી, પરંતુ ભારે પવન અને વરસાદને કારણે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ કમોસમી વરસાદથી ખાસ કરીને ખેતીમાં મોટું નુકસાન થયું છે. ખેતરોમાં લણણી કરીને રાખેલા જીરું અને રાયના પાથરા ભારે પવનના કારણે ઉડી ગયા હોવાની વિગતો સામે આવી છે. આ ઉપરાંત, આ વર્ષે ઘઉંનો પાક મોડો હોવાથી હજુ ખેતરોમાં ઊભો છે, જેને પણ આ વરસાદને કારણે નુકસાન પહોંચ્યું છે. #MorbiUpdate #UnseasonalRain #CropDamage #FarmersIssue #GujaratWeather #Agriculture #Khedut