પાટીદાર પ્રભુત્વ વાળા મોરબીમાં જિલ્લા પંચાયતની ભાજપની 14 બેઠકો પૈકી 5 પાટીદાર સદસ્ય છતાં પાટીદાર સદસ્યોને સ્થાન ન મળતા મોવડી મંડળ સમક્ષ હૈયા વરાળ ઠાલવી મોરબી : આજે ભાજપ શાસિત મોરબી જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટેના સમયગાળા માટે નિયમ મુજબ નવા હોદેદારોની પસંદગી કરી લેવામાં આવી છે તેવા સમયે પાટીદાર પ્રભુત્વવાળા મોરબી જિલ્લામાં ભાજપના ચૂંટાયેલા 14 પૈકી 5 સદસ્ય પાટીદાર સમાજના હોવા છતાં ઉપપ્રમુખ કે અન્ય હોદા માટે પાટીદાર સદસ્યની પસંદગી ન થતા નારાજગીના સુર ઉઠ્યા છે અને આ મામલે મોવડી મંડળ સમક્ષ હૈયા વરાળ ઠાલવવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો પૈકી 14 બેઠક શાસકપક્ષ ભાજપ પાસે છે જયારે 10 બેઠકો કોંગ્રેસ પાસે છે, શાસકપક્ષ ભાજપની 14 બેઠકો પૈકી 5 બેઠકો ઉપર પાટીદાર સભ્યો ચૂંટાયેલ હોવા છતાં નવા અઢી વર્ષના શાસનકાળ માટે આજે પસંદ કરાયેલા ચહેરાઓમાં પાટીદાર સમાજને સ્થાન ન મળતા પાટીદાર સમાજમાં આજે નારાજગી જોવા મળી હતી, અત્યંત સુમાહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લા પંચાયતના નવા સુકાનીઓમાં પ્રમુખપદ એસસી સમાજ માટે હોવાથી પ્રમુખપદની જગ્યા બાદ કરતા અન્ય સ્થાન માટે પાટીદાર સમાજને સ્થાન ન આપવામાં આવતા રાજકીય આગેવાનો અને જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા આ મામલે ભાજપના મવડી મંડળ સમક્ષ નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી છે, જો કે સૂત્રોના મતે પાટીદાર સમાજની નારાજગી દૂર કરવા મવડી મંડળ દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.દરમિયાન આજે ભાજપના પ્રમુખપદના ઉમેદવાર હંસાબેન પારઘી અને ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાએ ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું, સામે પક્ષે કોંગ્રેસના સદસ્ય મહેશભાઈ પરજીયાએ ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. અને સાંજે છ વાગ્યે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બનનાર હોવાનું જાણવા મળે છે.