શહેર-જિલ્લામાં 20થી સેન્ટરો ઉપર અરજદારોને ધરમધક્કા મોરબી : મોરબી જિલ્લામાં સર્વરના ધંધિયાથી આયુષ્યમાન યોજનાની કામગીરી ખોરવાઈ ગઈ છે.શહેર-જિલ્લામાં 20થી વધુ સેન્ટરો ઉપર આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી ટલ્લે ચડતા દરરોજ લોકોને ધરમધક્કા થઈ રહ્યા છે. આથી સર્વરના ધંધિયાથી પ્રજાનો મરો થઈ રહ્યો છે. મોરબી જિલ્લામાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે 20 જેટલા સેન્ટરો કાર્યરત છે. દરેક તાલુકામાં એકાદ બે અને મોરબીમાં બેથી વધુ આયુષ્યમાન કાર્ડ કઢાવવાના સેન્ટરો આવેલા છે. આ તમામ સેન્ટરોમાં છેલ્લા 10 દિવસથી સર્વરના ધાંધિયા થઈ રહ્યા છે. ઉપરથી સર્વર જ ડાઉન હોવાના કારણે આયુષ્યમાન કાર્ડની કામગીરી ખોરવાતા લોકોને ધક્કે પે ધક્કા થઈ રહ્યા છે. મોરબી જિલ્લામાં દરરોજ સરેરાશ 600-700 જેટલા આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવે છે. પરંતુ સર્વર ડાઉન થતા હવે દરરોજના માત્ર 30 થી 40 જેટલા જ કાર્ડ નીકળે છે. એટલે એક સેન્ટરે એક દિવસમાં માંડ-માંડ બેથી પાંચ કાર્ડ નીકળી શકે છે. ઘણા લોકો દૂર દૂર ગામડાઓમાંથી પોતાના રોજગાર ધંધા બંધ રાખીને આ મહત્વના કાર્ડ કઢાવવા આવે છે. પણ અહીં સર્વર જ ડાઉન હોવાથી કામ ન થતા ધક્કો માથે પડે છે. આટલું ઓછું હોય એમ એક કાર્ડ કઢાવવા માટે ત્રણથી વધુ ધક્કા ખાવા પડે છે. જો કે ઉપરથી સર્વર જ ડાઉન હોવાથી સ્થાનિક તંત્ર પણ કાઈ કરી શકતું નથી. તેથી લોકોને હાલાકીનો પાર રહેતો નથી. જો કે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે જે તે પરિવારના મુખ્ય સભ્યનું કાર્ડ નિકળ્યા બાદ તેમનો રજીસ્ટર નબર જેનરેટ થાય ત્યારે પરિવારના બીજા સદસ્યોના કાર્ડ નીકળી શકે છે. આમ આવી પ્રથાને કારણે એક પરિવારને ઘણા ધક્કા થાય છે. આથી સામાન્ય લોકોને મદદરૂપ થવાની આ યોજના હાલ સર્વર ડાઉનથી પીડારૂપ બની ગઈ છે.