પ્રાથમિક દ્રષ્ટીએ ક્યાંય પણ ખેતીવાડીમાં નુકશાન ન થયાનો ખેતીવાડી અધિકારીનો દાવોમોરબી : મોરબી જિલ્લામાં માવઠા અને તેમાંય કાશ્મીરની જેમ ભયાનક રીતે બરફ વર્ષા થતા ખેતીવાડીને વ્યાપક નુકસાન થયાનો કિશાન સંઘના અગ્રણીએ અંદાજ વ્યક્ત કર્યો છે. જેમાં હજુ ખેતરો અને વાડીઓમાં કપાસ, મગફળી સહિતનો તૈયાર પાક લહેરાતો હોય અને ખાલી આ પાકો લણવાનાં બાકી હોય ત્યારે ગઈકાલે આવેલી આકાશી આફતે આ પાકોનો સર્વનાશ કરી દીધો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. જ્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીએ ગ્રામ સેવકો સ્થળ ઉપર તાગ મેળવી રહ્યા હોય ત્યારે પ્રાથમિક અંદાજ મુજબ પાકોને નુકશાન થયું હોય એવું હાલ ધ્યાને ન આવ્યું હોવાનો દાવો કર્યો છે.જ્યારે મોરબી જિલ્લા કિશાન સંઘના અગ્રણી જીલેશભાઈ કાલરીયાએ જણાવ્યું હતું કે, મોરબી, વાંકાનેર અને ટંકારામાં ખેતરોમાં કપાસ, મગફળીનો પાક તૈયાર થઈ ગયો હોય તેને લણવાનો બાકી હોય ત્યારે જ માવઠું ત્રાટકતા આ પાકો તેમજ એરંડા, ચણા સહિતના પાકોને નુકસાન થયું છે. પણ ખેતીને કુલ કેટલું નુકશાન થયું છે તેનો હાલ અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. હજુ કમોસમી વરસાદની આગાહી હોય એટલે હજુ માવઠું થાય તો નુકશાની વધવાની ભીતિ છે.ઘણી જગ્યાએ ખેતરોમાં કપાસ અને મગફળીનો પાક તૈયાર હોય તેમાં માવઠાથી કેટલું નુકશાન થયું છે તે સર્વે થયા બાદ માલુમ પડશે. તેમજ મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણએ તમામ ગ્રામ સેવકો ફિલ્ડમાં હોય અને ખેતીવાડીને થયેલા નુકસાનનો તાગ મેળવી રહ્યા છે. પણ પ્રાથમિક દ્રષ્ટિએ હજુ સુધી ખેતીવાડીમાં ક્યાંય પણ નુકશાનીની વિગતો સામે આવી નથી. તેમ છતાં પણ ક્યાંય નુકશાન થયું હોય તો ખેડુતો અધિકારી કે ગ્રામ સેવકનો સંપર્ક કરી શકશે તેમ તેમણે જણાવ્યું હતું.