શરૂઆતમાં નિરસતા બાદ ધીરેધીરે આગળ ધપતી ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા મોરબી : મોરબી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થયા બાદ હવે ધીરેધીરે ખેડૂતોની મગફળી વેચવા આગળ આવી રહ્યા છે. જો કે જિલ્લામાં 12 દિવસમાં 367 ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. જ્યારે મોરબીના માર્કેટીંગ યાર્ડમાં મગફ્ળીનો ભરાવો થતા કાલે ટંકારાના એકપણ ખેડૂતોને મગફળીની ખરીદી માટે બોલાવવામાં આવ્યા ન હતા. ટેકાના ભાગે મગફળીની ખરીદી માટે 45 ટકા ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતા. જેમ જેમ મગફળી નીકળતી જશે તેમ તેમ મગફળીની ખરીદીનો વ્યાપ વધશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં ગત તા.18થી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં ભેજ સહિતની કેટલીક ખામીઓને કારણે ટેકાના ભાવે મગફળીની યોગ્ય રીતે ખરીદી થતી ન હોય મોટાભાગના ખેડૂતો લાભથી વંચિત રહી ગયા હતા. ત્યારે હવે ટેકાના ભાવે મગફળીની પ્રક્રિયા આગળ ધપી રહી છે. 12 દિવસમાં 367 ખેડૂતોની 35 કિલોની 5302 બેગ અને 30 કિલોની 19314 બેગ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. મોરબીમાં કુલ 105 ખેડૂતોની 6443 બેગ, હળવદમાં 140 ખેડૂતોની 5640 બેગ, ટંકારામાં 91 ખેડૂતોની 6636 બેગ, વાંકાનેરમાં 31 ખેડૂતોની 35 કિલોની 1240 બેગ અને 30 કિલોની 566 બેગ મગફળીની ખરીદી કરવામાં આવી છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં એકલ દોકલ ખેડૂતો આવતા હતા. પણ હવે ખેડૂતોનો પ્રવાહ ધીરેધીરે વધ્યો છે. કમોસમી વરસાદ થયો હોવાથી શરૂઆતમાં મોટેભાગે ભેજવાળી મગફળી જ આવતી હતી. તેથી, ખરીદીમાં ખામી સર્જાતી હતી. હજુ પણ જોકે થોડા ઓછા ભેજવાળી મગફળી આવી રહી હોવાથી તેને સૂકવવા માટે માર્કેટીંગ યાર્ડમાં વ્યવસ્થા કરવામાં આવી છે. માર્કેટીંગ યાર્ડમાં મગફળી સુકાઈ ગયા બાદ જ ખરીદી કરવામાં આવે છે. જેથી, ખેડૂતોને બીજો ધક્કો ન થાય. કાલે મગફળીનો ભરાવો થઈ ગયો હતો.વાંકાનેર ગોડાઉનમાં મગફળી લઈ જવાની હોય છે. જોકે ત્યાં મગફળી ન લઈ જવાતા ટંકારના એકપણ ખેડુતોને બોલાવવામાં આવ્યા ન હતા. માર્કેટીંગ યાર્ડમાં મગફળીનો ભરાવો થઈ જતા આ સ્થિતિ ઉદભવી હતી. ધીરેધીરે ખેડૂતોની મગફળી નીકળતી જાય છે અને ખરીદી થઈ રહી છે. જો કે અત્યાર સુધીમાં 805 ખેડૂતોને બોલાવ્યા હતા. તેમાંથી 367 ખેડૂતો જ આવ્યા હતા.