લગ્નજીવનમાં પત્નીને હેરાન કરતા હોવાનું કહી બન્ને શખ્સો તૂટી પડ્યા, વાવડી ચોકડી નજીક બનેલ બનાવમાં ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીની વાવડી ચોકડી નજીક પાણીના ધંધાર્થી યુવાન ઉપર તેના જ સગા સાઢુંભાઈ અને સાળાએ લગ્નજીવન દરમિયાન પત્નીને હેરાન પરેશાન કરતા હોવાનું કહી કુહાડીનો ઘા ઝીકી સાળાએ લાતો મારતા યુવાને બન્ને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નાની વાવડી ગામે ગાયત્રીનગરમાં રહેતા અને નેત્ર ફિલ્ટર પાણીનો ધંધો કરતા સંજયભાઈ માણસુરભાઈ ગજીયાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના સાઢુભાઈ જીલુભાઈ નાથાભાઈ વાંક રહે.કન્યા છાત્રાલય રોડ કેનાલ વાળી પહેલી શેરી અને સાળા સંજયભાઈ રાજાભાઈ ડાંગર રહે.તારાણા ગામ તા.જોડીયા જી.જામનગર વાળાએ ગત તા. 31ના રોજ સવારે આઠેક વાગ્યે વાવડી ચોકડી નજીક રોકી મોટર સાયકલ ઉભું રખાવી બોલાવી કઈ પણ કહ્યા વગર કુહાડી વડે માથામાં ઘા મારી હુમલો કર્યો હતો. વધુમાં તેમના સાળાએ પણ નીચે પછાડી દઈ લાત ફટકારી માર મારતા બન્નેને શા માટે મારો છો તેવું પૂછતા બન્ને એ જણાવ્યું હતું કે તમે તમારા પત્નીને વગર વાંકે શા માટે હેરાન કરો છો કહી માર મારવાનું ચાલુ રાખતા અન્ય રાહદારીઓ આવી જતા વચ્ચે પડી છોડાવ્યા હતા. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૪,૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.