ગઈકાલે મોડીરાત્રે થયેલી હત્યામાં ત્રણ વિરુદ્ધ કાવતરું રચી મારી નાખ્યાંની મૃતકના માતાએ ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક ગઈકાલે મોડીરાત્રે યુવાનની હત્યા કરવા મામલે મૃતક યુવાનના માતાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રેમ પ્રકરણમા ત્રણ શખ્સોએ કાવતરું રચી તેમના પુત્રને રહેંસી નાખ્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે મોડીરાત્રે મોરબીના નગર દરવાજાથી જુના બસસ્ટેન્ડ તરફ જતા સરદાર રોડ ઉપર ખોડિયાર પાન નજીક મોરબીની જાની શેરીમાં શાહ નિવાસ નજીક રહેતા હિરેન જગદીશભાઈ ભટ્ટ નામના યુવાનની છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા હિરેનના માતા ચંદ્રિકાબેન જગદીશભાઈ ભટ્ટ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મહિપતસિંહ વાઘેલા, રણજીતસિંહ વાઘેલા અને અન્ય એક 25થી 30 વર્ષના અજાણ્યા યુવાન વિરુદ્ધ પ્રેમ પ્રકરણ મામલે તેમના પુત્રની કાવતરું રચી હત્યા કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. વધુમાં મૃતક હિરેન ભટ્ટના માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિના મૃત્યુ બાદ તેઓ ઓફિસો સાફ સફાઈ કરી જીવન નિર્વાહ કરે છે અને મૃતક હિરેન રવાપર રોડ ઉપર આવેલી કાપડની દુકાનમાં નોકરી કરે છે,ગઈકાલે બપોરે મૃતક હિરેન જ્યારે ઘેર જમવા આવ્યો હતો ત્યારે ચિંતામાં હતો અને પાડોશમાં રહેતા મહિપતસિંહ સાથે પ્રેમ પ્રકરણમા ઝઘડો ચાલતો હોવાનું જણાવી ઓછું જમી સુનમુન રહેતો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. વધુમાં મૃતક હિરેને હત્યા પહેલા ઘેર ફોન કરી નાનાભાઈ ને પણ બનાવ અંગે વાકેફ કર્યો હોવાનું જણાવ્યું હતું. હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મૃતક હિરેનના માતા ચંદ્રિકાબેનની ફરિયાદને આધારે આરોપી મહિપતસિંહ વાઘેલા, રણજીતસિંહ વાઘેલા અને અન્ય એક 25થી 30 વર્ષના અજાણ્યા યુવાન વિરુદ્ધ પ્રેમ પ્રકરણમા કાવતરું રચી હત્યા કરવામાં આવી હોવાનું જાહેર કરી ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 302, 120 (બી), 114 અને જીપી એકટની કલમ 135 અન્વયે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.