તલવાર ધોકા વડે હુમલો થતા કાર લે-વેચના ધંધાર્થીએ ચાર શખ્સો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ મોરબી : મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા કાર લે-વેચના ધંધાર્થીએ રસ્તામાં નડતર થાય તેમ બાઈક રાખનાર શખ્સને બાઈક સાઈડમાં લેવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સે અન્ય ત્રણ શખ્સ સાથે મળી વેપારી યુવાન ઉપર તલવાર ધોકા સહિતના હથિયારો વડે હિચકારો હુમલો કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અને વાહન લે-વેચનો ધંધો કરતા સત્યદીપસિંહ દીલીપસિંહ જાડેજા ગત તા.10ના રોજ રાત્રીના પોતાના ઘેર આવતા હતા ત્યારે ઘર નજીક આરોપી અસલમ સલીમભાઇ ચાનીયાના પુત્રએ રોડ ઉપર નડતર થાય તે રીતે પોતાનું બાઈક રાખ્યું હોય ફરિયાદી સત્યદીપસિંહ જાડેજાએ બાઈક સાઈડમાં રાખવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે આરોપી અસલમ સલીમભાઇ ચાનીયા, રહીશ ઉર્ફે ભાણો, અસલમનો દીકરો તથા એક અજાણ્યો માણસ રહે.બધા કાલીકા પ્લોટ મોરબી વાળાએ ગાળાગાળી કરી સત્યદીપસિંહ જાડેજાને મઠમાં તલવારનો ઘા ઝીકી દઈ ધોકા વડે માર મારતા આ ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી સત્યદીપસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.