માસિક ૧૦ ટકા વ્યાજ વસૂલનાર શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદમોરબી : શહેરમાં વ્યાજખોરો બેફામ બની રહયા હોય એક પછી એક ફરિયાદ નોંધાઇ રહી છે ત્યારે મોરબીના ધારાસભ્ય અને રાજયમંત્રી જ્યા રહે છે તેવા ઉમા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા વેપારીને દસ ટકા ઉંચા વ્યાજે નાણાં ધીરનાર બે વ્યાજખોરોએ દોઢથી બે ગણી રકમ વસૂલી વધુ નાણાં પડાવવા પઠાણી ઉઘરાણી કરી વેપારીને જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ઉમા ટાઉનશીપમાં મંગલ જ્યોત હોમ્સમાં રહેતા અને વ્યાપાર કરતા અનીલભાઈ ચંદુભાઈ જાકાસણીયાએ વેપારમાં રૂપિયાની જરૂરત હોવાથી આરોપી ચિરાગભાઈ સંધાણી રહે.ગોલ્ડન માર્કેટ મોરબી વાળા પાસેથી ૧૦ ટકા માસિક વ્યાજે રૂ. ૧ લાખ લીધા હતા, જેની સામે તેમણે રૂ. ૨.૫૦ લાખ ચૂકવી દીધા હતા. એ જ રીતે આરોપી સુરેશભાઈ રાયકા રહે.મોરબી વાળા પાસેથી પણ ૧૦ ટકા વ્યાજે રૂ. ૪ લાખ લીધા હતા, જેની સામે રૂ. ૫.૪૦ લાખ પરત કર્યા હતા.અનિલભાઈએ વ્યાજ અને મૂડી કરતા વધુ રકમ ચૂકવી દીધી હોવા છતાં,વ્યાજખોરોએ વધુ નાણાંની ઉઘરાણી કરી અનીલભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.