ત્રાજપર ચોકડી નજીક સર્જાયેલ અકસ્માતમાં અધિકારીઓ ખડેપગે રહ્યામોરબી : મોરબીમાં ત્રાજપર ચોકડી નજીક ગુરૂકૃપા હોટેલ પાસે રાત્રીના સમયે એસિડ ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયા બાદ તીવ્ર દુર્ગંધને કારણે સ્થાનિકોને રહેવું પણ મુશ્કેલ બન્યા બાદ હાઇવે થોડો સમય બંધ કરાવી ક્રેઇનની મદદથી ટેન્કરને ઉભું કરી પરિસ્થિતિ થાળે પાડવામાં આવી હતી. સાથે જ જુદા જુદા વિભાગોના અધિકારીઓની ટીમ સતત ખડેપગે રહી હતી.ગઈકાલે મોડીરાત્રે ત્રાજપર ચોકડી નજીક એસિડ ભરેલું ટેન્કરને પલ્ટી મારતા હાઇડ્રોક્લોરિક એસિડ (HCI) એસિડ જમીનના સંપર્કમાં આવતા ધુમાડાના ગોટા ઉઠવાની સાથે તીવ્ર દુર્ગંધ આજુબાજુના રહેણાંક વિસ્તારમાં પ્રસરી જતા અનેક પરિવારો ઘર બંધ કરી અન્યત્ર ચાલ્યા ગયા હતા. બીજી તરફ અકસ્માતની જાણ થતાં જ ઇન્ડસ્ટ્રીયલ સેફટી ડિપાર્ટમેન્ટ, ડે. મ્યુનિસિપલ કમિશ્નર કુલદીપસિંહ વાળા, ફાયર બ્રિગેડ, નેશનલ હાઇવે ઓથોરિટી, પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્રણ ફાયર ફાયટર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બાદમાં અકસ્માતગ્રસ્ત ટેન્કરને સંતકૃપા ક્રેઇનની મદદથી ઉભું કરી પાણીનો મારો ચલાવી હાઇવેને પણ થોડીવાર માટે બંધ કરાયો હતો. સાથે જ રોડ ઉપર ઢોળાયેલા એસિડ ઉપર ધૂળ અને રેતી નાખી કેમિકલની અસરને ખાળવા પ્રયાસ કરાયો હતો. નોંધનીય છે કે, અકસ્માતની આ ઘટના બાદ ડે. કમિશ્નર કુલદીપસિંહ વાળા, ડીવાયએસપી વી.બી. દલવાડી, બી ડિવિઝન પીઆઇ વસાવા, ઈન્ડસ્ટ્રીયલ સેફટીના અધિકારી અને હાઇવે ઓર્થોરિટીના અધિકારી ખડેપગે રહ્યા હતા અને પરિસ્થિતિ થાળે પાડી હતી.