મહિને 30 ટકા વ્યાજ વસુલ્યું છતાં વધારાના 10 લાખ માંગતા મામલો પોલીસ મથકેમોરબી : મોરબી શહેરના નવા ડેલા રોડ ઉપર દુકાન ધરાવતા વેપારીએ પાડોશી વેપારી પાસેથી કટકે કટકે 15 લાખ વ્યાજે લઈ 6થી 30 ટકા વ્યાજ સહિત 18.52 લાખ ચૂકવી આપ્યા હોવા છતાં વ્યાજખોર વેપારીએ વધારાના 10 લાખ માંગી જાનથી પતાવી દેવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવા ડેલા રોડ ઉપર ટ્રેડિંગ પેઢી ધરાવતા અને સત્યમ પાન વાળી શેરીમાં રહેતા મિથુનભાઈ મોહનભાઇ કંધનાણીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વ્યાજખોર વેપારી ચિરાગભાઈ ઉર્ફે જીગાભાઈ વિનોદભાઈ ખખ્ખર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.10 મે 2023થી તા.17 ફેબ્રુઆરી 2025 સુધીમાં તેમને ધંધાના કામે જરૂરત પડતા આરોપી ચિરાગભાઈ ઉર્ફે જીગાભાઈ પાસેથી દૈનિક રૂપિયા 5 - 5 લાખ ત્રણ વખત અલગ અલગ વ્યાજે લીધા હતા જેમાં પ્રથમ વખત દૈનિક 5000 વ્યાજે, બીજી વખત દૈનિક 2300 રૂપિયા વ્યાજ લેખે અને ત્રીજી વખત મહિને 5 લાખનું દોઢ લાખ ચૂકવવાની શરતે લઈ સાક્ષીઓની હાજરીમાં 15 લાખના વ્યાજ સહિત કુલ રૂપિયા 18,52,800 ચૂકવી આપ્યા હતા.વધુમા વ્યાજખોર ચિરાગભાઈ ઉર્ફે જીગાભાઈ ખખ્ખરને વ્યાજ અને મુદલ પરત આપી દેવા છતાં અન્ય વેપારીઓની હાજરીમાં સમાધાન માટે ભેગા થતા આરોપી ચિરાગભાઈ ઉર્ફે જીગાભાઈએ વધારાના 10 લાખ ચૂકવવા પડશે તેમ કહી જાનથી મારી નાખવા ધમકી આપતા અંતે આ વ્યાજખોરીના બનાવમાં મિથુનભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાણાં ધીરધાર અધિનિયમ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.