સિટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ ઉપર દરોડો પાડી બુટલેગરને દબોચ્યો : સપ્લાયર હાર્દિક બાવજીનું નામ ખુલ્યું મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર બુટલેગર પાણીના પ્લાસ્ટિકના ટાંકામાં દારૂનો જથ્થો છુપાવી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 87 બોટલ સાથે બુટલેગરને રંગે હાથ ઝડપી લીધો હતો. આ દારૂનો જથ્થો હાર્દિક બાવાજી નામના શખ્સે આપ્યાનું બુટલેગરે કબૂલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી એ ડિવિઝન ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સચોટ બાતમી મળી હતી કે પંચાસર રોડ ઉપર રાજનગર મહાદેવ મંદિર નજીક રહેતો તુલશીભાઈ હસમુખભાઈ શંખેસરીયા પ્લાસ્ટિકની પાણીની ટાંકીમાં વિદેશીદારૂ સંતાડી વેચાણ કરે છે. જેને પગલે ટીમે ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા આરોપી તુલશીભાઈ હસમુખભાઈ શંખેસરીયા પાણીની ટાંકી પાસેથી મળી આવ્યો હતો. વધુમાં પોલીસ ટીમે પાણીની ટાંકી ચેક કરતા ટાંકીમાંથી મેકડોવેલ્સ નં.1 સુપીરીયલ્સ વ્હીસ્કીની બોટલ નંગ.12 કિંમત રૂપિયા 4500 તેમજ ઓલ સેસન્સ ગોલ્ડન કલેકશન રિઝર્વ વ્હીસ્કીની બોટલ નંગ.75 કિંમત રૂપિયા 45,000 સહિત કુલ બોટલ 87 કિંમત રૂપિયા 49,500નો મુદામાલ મળી આવ્યો હતો. દરોડા બાદ પોલીસની પ્રાથમિક પૂછતાછમાં બુટલેગર તુલસીએ દારૂનો આ જથ્થો આરોપી હાર્દીક બાવાજી પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે તુલસીને ગિરફતમાં લઈ હાર્દિક બાવાજીને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.