પિતાને મોઢાનું કેન્સર થયા બાદ યુવાનને બ્લડ કેન્સર થતા સારવાર માટે મજબુરીમાં 20 ટકા વ્યાજે નાણાં લીધામોરબી : મોરબીમાં રહેતા ડિઝાઈનર યુવાનના પિતાને મોઢાનું કેન્સર થયા બાદ આ યુવાનને પણ બ્લડ કેન્સર થતા સારવાર માટે મજબૂરીમાં શક્ત શનાળાના વ્યાજખોર પાસેથી 20 ટકા વ્યાજે નાણાં લેનાર યુવાન સમય સર વ્યાજ ન ચૂકવી શકતા વ્યાજખોરે યુવાનના ઘેર જઈ પઠાણી ઉઘરાણી કરી યુવાનના પત્નીને ફડાકા ઝીકી દઈ બાદમાં કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ કરતા વ્યાજખોરીના આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગરમાં રહેતા અને હાલમાં અમદાવાદ ખાતે ડિઝાઈનર તરીકે ખાનગી નોકરી કરી ઓફિસમાં જ રહેતા જયદીપભાઈ લાલજીભાઈ માણસુરીયા ઉ.36 નામના યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી જયસુખભાઈ ઉર્ફે જશાભાઈ મિયાત્રા રહે.શક્ત શનાળા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ત્રણ વર્ષ પૂર્વે તેમના પિતાને મોઢાનું કેન્સર થયુ હતું અને બાદમાં જયદીપભાઈને પણ મોઢાનું કેન્સર થતા સારવાર માટે નાણાંની જરૂર પડતા આરોપી જયસુખભાઈ ઉર્ફે જશાભાઈ મિયાત્રા પાસેથી 4.50 લાખ રૂપિયા મહિને 20 ટકા વ્યાજે લીધા હતા. બાદમાં થોડો સમય નિયમિત વ્યાજ આપ્યા બાદ આર્થિક સ્થિતિ ખરાબ થઈ જતા સમયસર નાણાં ન ચૂકવી શકતા આરોપી જયસુખભાઈ ઉર્ફે જશાભાઈ મિયાત્રાએ અસલી વ્યાજખોરનો રંગ બતાવી એક દિવસ જયદીપભાઈના ઘેર જઈ પઠાણી ઉઘરાણી કરી જયદીપભાઈના પત્ની પુનમબેનને ફડાકા ઝીકી દીધા હતા. આ ઉપરાંત આરોપીએ બે કોરા ચેક પડાવી લઈ કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ કરી જાનથી મારી નાખવા ધમકી આપતા ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોર વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.