સમગ્ર જિલ્લામાં ધૂળની ડમરીથી ધૂમમ્સ જેવી સ્થિતિ મોરબી : મોરબી જિલ્લામાં સવારે વાદળો છવાયા બાદ બપોરે અચાનક હવામાનમાં બદલાવ સાથે કાતિલ સુસવાટા મારતા પવન ફૂંકવાની સાથે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ચોતરફ ધૂળની ડમરી ચડતા ધોળા દિવસે ધૂમમ્સ જેવી સ્થિતિ જોવા મળી હતી. મોરબી જિલ્લામાં આજે ચારેક વાગ્યા બાદ મોરબી શહેર, વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા સહિતના વિસ્તારોમાં વંટોળિયા પવનના કારણે વાતાવરણમાં ધૂળની ડમરીઓ જોવા મળી હતી. આ સાથે ફૂંકાતા પવનમાં બપોરે ચારેક વાગ્યાથી જાણે ધુમ્મસભર્યો માહોલ છવાયો હોય, તેમ સૂર્યનારાયણ પણ લુપાછુપી રમત રમતા હોય તેવો નજારો જોવા મળ્યો હતો. કાતિલ ઠંડા સુસવાટા મારતા પવનનોને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું અને સાંજના સમયે ધૂમમ્સ જેવા વાતાવરણથી લોકો અચંબિત બન્યા હતા.