ગ્રાહકે ફરિયાદ કરતા ગેસ એજન્સીએ ઉડાઉ જવાબ આપ્યો મોરબી : મોરબીમાં રાંધણ ગેસના બાટલામાંથી ગેસને બદલે પ્રવાહી જેવું પાણી નીકળવાનો અજીબો ગરીબ બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક ગ્રાહકે રાંધણગેસનો બાટલો ચેક કરતા તેમાંથી ગેસના બદલે પાણી જેવું પ્રવાહી નીકળ્યું હતું.આ ઘટના અંગે ગેસ એજન્સીને ફરિયાદ કરતા તેમણે ઉડાવ જવાબ આપ્યો હતો. આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર ભાગોળે આવેલ જાગાની વાડીમાં રહેતા ધનજીભાઈ ચકુંભાઈ કંઝારીયાએ આજે ફરિયાદ કરી હતી કે, તેઓ રાંધણગેસના બાટલાની લક્કી એજન્સીના ગ્રાહક છે અને આ ગેસની એજન્સીમાંથી તેમના ઘરે રાંધણ ગેસના બાટલા આવે છે. દરમિયાન આ ગેસની એજન્સીમાંથી તેમના ઘરે આવેલ રાંધણ ગેસનો બાટલો ચેક કર્યો હતો. પણ આ રાંધણ ગેસના બટલમાંથી ગેસને બદલે પાણી જેવું પ્રવાહી નીકળ્યું હતું. આ બાટલાનું વજન કરતા 20 કિલોથી વધુ વજન થયું હતું. બાદમાં તેમણે આ અંગે જવાબદાર ગેસ એજન્સીને ફરિયાદ કરી હતી. પણ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાના બદલે ગેસ એજન્સીએ ઉડાવ જવાબ આપીને હાથ ઊંચા કરી દીધા હતા. જો કે ગેસમાંથી પાણી જેવું પ્રવાહી નીકળવા મામલે અનેક સવાલ ઉઠ્યા છે. જેમ કે, ગેસના બાટલામાં પાણી કેવી રીતે આવ્યું શુ? આ બાબત ભૂલ છે? કે પછી જાણી જોઈને આ કાર્ય થયું છે? તે સઘળી બાબતો ગહન તપાસ માંગી લે તેવી છે. આથી પુરવઠા તંત્ર આ ગંભીર મામલે યોગ્ય તપાસ કરશે કે કેમ તે જોવાનું રહ્યું.