મોરબી : મોરબીમાં માતાએ ઠપકો આપતાં 17 વર્ષની દીકરી કહ્યા વગર ઘર છોડીને નીકળી ગઈ હતી. આ અંગે 181 ટીમને જાણ થતાં ટીમે આ દીકરી અને તેમના પરિવારને સમજાવી મામલો થાળે પાડી પુનઃ મિલન કરાવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર ૧૮૧ મહિલા અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક કિશોરી રસ્તામાં આમતેમ ફરે છે તેમજ કિશોરી કોઈનું કઈ માનતી નથી અને ખુબ જ ગભરાયેલી છે અને કિશોરી રડે છે કિશોરી ચિંતામાં છે. માટે કિશોરીની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની જરૂર છે.જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ ભુમીબેન તેમજ પાયલોટ રસીકભાઇ ઘટના સ્થળે કિશોરીની મદદ માટે પહોંચ્યા હતા. કિશોરીને ત્યાંના લોકોએ સુરક્ષિત રીતે બેસાડેલી હતી. સૌપ્રથમ કિશોરીને સાંત્વના આપી તેમજ ૧૮૧ ટીમ દ્વારા કિશોરી સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. કિશોરી ખુબ જ ગભરાયેલી હતી તેથી સાંત્વના આપેલ અને કિશોરીને મોટીવેટ કરેલ હતી.ત્યારબાદ કિશોરીનું ખુબ જ સંવેદનશીલતા પૂર્વક કાઉન્સિલીગ કર્યું હતું. કાઉન્સિલીગ દરમિયાન કિશોરીએ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે કિશોરી તેમના માતા અને ભાઈ સાથે રહે છે. કિશોરીનો ભાઈ સાત મહિનાનો હતો ત્યારથી તેમના પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા. ત્યાંરથી બંને ભાઈ - બહેન તેમના માતા સાથે રહે છે.વધુમાં કિશોરી એ જણાવ્યું કે કામકાજ બાબતે તેમના માતા સાથે કિશોરીને અવર નવાર ઝગડા થયા કરે છે અને વારંવાર અપશબ્દો બોલતા હોય જેથી કંટાળીને મધ્ય રાત્રિએ ઘર છોડીને કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગયેલ હતી. ત્યારબાદ કિશોરીને ઘરે જઈ ૧૮૧ ટીમે કિશોરીના પરિવારના સભ્યોમાં માતા અને ભાઈ સાથે વાતચીત કરી હતી. કિશોરીની માતાએ જણાવેલ કે તેઓ તેના પતિની ગેરહાજરીમાં બંને બાળકોનું જતન કરે છે હું મજુરી કામ કરીને મારા બાળકોની બધી જ જવાબદારી પુરી કરું છું. છતાં માંરી દિકરી ઘરમાં કોઈનું કાઈ પણ માનતી નથી અને ઘર કામકાજ બાબતે કઈ પણ બોલું તો મારા સામે મોટા અવાજે બોલે છે અને વારંવાર ઘરની બહાર નીકળી જાય છે. ત્યારબાદ ૧૮૧ ટીમે પરિવાર અને કિશોરીને સલાહ સુચન અને માર્ગદર્શન આપેલ હતું. તેમજ માતા અને ભાઈને કિશોરી સાથે અયોગ્ય વર્તન ન કરવાં તેમજ કિશોરી સાથે મારઝુડ ન કરવાં બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી હતી. કિશોરીના માતા અને ભાઈ ને કિશોરીનું ધ્યાન રાખવા અને તેમને શિક્ષણ આપવા તેમના માતાને જણાવેલ હતું. બાદમાં કિશોરી એ જીવનમાં ક્યારેય પણ ઘરેથી નહીં નીકળવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અને રાજી ખુશીથી તેમના પરિવાર સાથે રહેવા જણાવ્યું હતું.