પાલિકા તંત્રની અક્ષમ્ય બેદરકારીથી થાકી હારીને વેપારીઓએ કર્યું શ્રમદાન : ગટર ઉભરાવવાથી રોડ પર ખાડા પડી ગયા બાદ વેપારીઓએ ખાડાની જાતે જ મરમત કરી તંત્ર સામે બળાપો ઠાલવ્યો મોરબી : મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પાછળ આવેલ મંગલ ભુવન ચોક વિસ્તારમાં ઘણા સમયથી ગટર ઉભરાવવાની સમસ્યા હતી. ગટર ઉભરાવવાથી પાણીને કારણે આ વિસ્તારના રોડ ઉપર ઠેરઠેર મસમોટા ખાડા પડી ગયા હતા. આ બાબતે અનેક રજુઆત છતાં તંત્રના પેટનું પાણી હલ્યું ન હતું. આથી સ્થાનિક વેપારીઓને તંત્રની અક્ષમ્ય બેદરકારીથી થાકી હારીને જાતે જ રોડ પરના ખાડા બુરવાની કામગીરી કરવી પડી હતી. વેપારીઓએ સ્વ ખર્ચે ખાડા બુરીને તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પાછળ આવેલ મંગલ ભુવન ચોક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ છે. ગટરના દૂષિત પાણી આ આખા વિસ્તારને બાનમાં લઈને ભારે ગંદકી ફેલાવે છે. ગટરની બેસુમાર ગંદકીના કારણે આ વિસ્તારના લોકો અને અહીં વેપાર ધંધા કરતા વેપારીઓ ભારે ત્રસ્ત છે. ગટરના પાણી આખા વિસ્તારમાં રેલાતા હોવાથી અને ચોમાસામાં ભારે વરસાદથી આ વિસ્તારના રોડનું ધોવાણ થઈ ગયું હતું અને રોડ ખાડાનો અખાડો બની જતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ખરાબ રોડમાંથી ધૂળની ડમરીઓ સતત ઊડતી હોવાથી અહીંના વેપારીઓ પરેશાન હતા. પણ આ બાબતની અનેક વખત પાલિકા તંત્રને રજુઆત કરવા છતાં નિભર તંત્રએ દાદ આપી ન હતી. આથી વેપારીઓ જાતે જ આ સમસ્યાનું નિરાકરણ લાવવા સઘન પ્રયાસો હાથ ધર્યા હતા જેમાં સ્વ ખર્ચે વાહનો મારફત માટી મંગાવી અહીં રોડ ઉપર ઠાલવીને વેપારીઓ જાતે પાવડા તગરા લઈને મંડી પડ્યા હતા અને ખાસ્સો સમયની મહેનત બાદ વેપારીઓ રોડને સમથળ કરીને ચાલવા યોગ્ય બનાવ્યો હતો.ત્યારે સવાલ એ છે કે આનાથી તંત્રને શરમ આવશે કે નહીં ?