મોરબી : મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ પ્રેમજીનગર (મકનસર) ગામે પાણી ભરવા માટે થયેલી અગાઉની બોલાચાલીનું જુનું મનદુ:ખ રાખીને બે દંપતીઓ વચ્ચે સામસામી મારામારી થઈ પડી હતી. આ બાબતે સામસામી ફરિયાદ નોંધાવાતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના મકનસર ગામે રહેતા મીનાબેન નરેશભાઈ ગોહિલ (ઉં. વ. 31) અને ગુલાબભાઈ લાખાભાઈ જાદવ (ઉં. વ. 30)ને પાણી ભરવા જેવી સામાન્ય બાબતને લઈને મારામારીમાં ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા. બાદમાં મીનાબેન નરેશભાઈ કરસનભાઈ ગોહીલ (ઉં.વ. 31) રહે. પ્રેમજીનગર, ત્યાં રહેતા રંજનબેન ગુલાબભાઈ જાદવ અને ગુલાબભાઈ લાખાભાઈ જાદવ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પાણી ભરવાની વાતને લઈને ઝઘડો કર્યા બાદ સોનાની બુટી પડી ગઈ છે તેમ કહીને ઢીકાપાટુ અને ધોકા વડે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે ગુલાબભાઈ લાખાભાઈ જાદવે બાજુમાં રહેતા નરેશ કરશન ગોહિલ અને મીનાબેન ગોહિલ વિરૂધ્ધ પાણી ભરવા મુદ્દે ઝગડો કર્યો હોવાની અને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.