આહીર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે અઠંગો, તલવાર રાસ અને બેડારાસ રમે છે બાળાઓમોરબી : મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજના આધુનિક યુગમાં પણ પૌરાણિક પરંપરાને જાળવી રાખી બહેનો દીકરીઓ દ્વારા નવરાત્રી પર્વમાં પ્રાચીન ગરબાના તાલે લુપ્ત થતા રાસ ગરબા રમવામાં આવી રહ્યા છે. મોરબીના માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામમાં શ્રી કૃષ્ણ ગરબા મંડળ દ્વારા છેલ્લા 75 વર્ષથી ગરબીનું આયોજન કરી પ્રાચીન ગરબા ગાઈ ગામના સર્વ સમાજની દીકરીઓને ગરબે રમાડવામાં આવે છે. અહીં બાળાઓ દસ તોલાથી લઈ 35 તોલા સુધીના સોનાના દાગીના પહેરી ગરબા રમવામાં આવે છે.આહીર અને પટેલ સમાજની મુખ્ય વસ્તી ધરાવતા માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામમાં છેલ્લા 77 વર્ષથી પ્રાચીન પરંપરા જળવાઈ રહેલી છે. અહીં શ્રી કૃષ્ણ ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટા દહીંસરા ગામમાં વસવાટ કરતા વિવિધ સમાજની 107 દીકરીઓ દરરોજ અવનવા રાસ ગરબા રજૂ કરી માતાજીની આરાધના કરે છે. ગરબા આયોજક કહે છે કે, ગ્રામજનોના સાથ સહકારથી અહીં પ્રાચીન ગરબી યોજાય છે જેમાં આજે પણ પ્રાચીન પરંપરા જાળવી રાખી પેઢી દરપેઢી જુના પોષક સાથે જ દીકરીઓ ગરબે રમે છે.વધુમાં મોટા દહીંસરા ગામે યોજાતી શ્રી કૃષ્ણ ગરબી મંડળ આયોજિત ગરબીમાં રાસ ગરબે ઘૂમતી દીકરીઓ આહીર સમાજના રીતરિવાજ મુજબ દસ તોલાથી લઈ 35 તોલા સોનાના દાગીના પહેરી રાસ ગરબા રજૂ કરે છે. ખાસ કરીને અહીંનો અઠીંગો રાસ, તલવાર રાસ, બેડા રાસ સહિતના રાસ ખુબ પ્રખ્યાત છે. બેહનો દીકરીઓ કરોડોની કિંમતના દાગીના પહેરી રાસગરબા રમતી હોય સ્વયંસેવકો દ્વારા સુરક્ષાએ વ્યવસ્થા સાથે વિશેષ કાળજી લેવામાં આવતી હોવાનું પણ આયોજકોએ જણાવ્યું હતું.