વાંકાનેર : વાંકાનેરમાં નાગાબાવાના મેળામાં બ્રેકડાન્સ રાઈડમાં મફત બેસવા બાબતે આરોપીઓ જયેશભાઈ રૂપાભાઈ ભરવાડ, ગાંડુભાઈ લખમણભાઈ ભરવાડ, સંજયભાઈ મયાભાઈ ભરવાડ તેમજ ત્રણ અજાણ્યા શખ્સોએ ફરિયાદી ફીરોજભાઈ અલારખાભાઈ ઠાસરીયા પર ધોકા પાઈપ વડે હુમલો કરી સાહેદને માથામાં ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતાં વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨) તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ વાંકાનેર સીટી પીઆઈ એચ.એન. રાઠોડ ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર લોકમેળામાં ચાલતી બધી રાઈડસનો કોન્ટ્રાક્ટ ફરિયાદીએ રાખેલ છે અને ગત મેળામાં રાઈડ ચલાવવાની મંજૂરી ન મળતાં તેમને આર્થિક નુકસાન વેઠવું પડેલ જેથી આ મેળામાં તે નુકશાની ભરપાઈ કરવા માટે ઊંચા ભાડા વસૂલવામાં આવેલ અને લોકોનો ઘસારો જોતા રાઈડનો સમય પણ ઘટાડવામાં આવેલ જેથી મેળામાં આવનાર લોકોને ઊંચા પૈસા આપી થોડીવાર માટે જ રાઈડમાં બેસવા મળતા બાળકોમાં કચવાટ જોવા મળેલ તે ઉપરાંત રાઈડ સંચાલકો દ્વારા મેળામાં આવેલ લોકો સાથે પણ ઉદ્ધતાઈભર્યું વલણ અપનાવતા હોવાથી મેળાની મોજ માણવા આવેલા લોકોમાં રોષ વ્યાપી ગયેલ.