કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી ગરીબ બાળકોને ફૂડ પૅકેટ અને અબોલ જીવ માટે અનન્ય સેવા કરી હળવદ: લૉકડાઉનની પરિસ્થિતિમાં પોલીસની કપરી કસોટી થઈ રહી છે ત્યારે હળવદ પોલીસ મથકના પીઆઈ સંદીપ ખાંભલા પોતાના જન્મદિવસની ઉજવણીને કોરાણે મૂકી રાઉન્ડ ધી કલોક ફરજ બજાવી રહ્યાં છે, સાથો-સાથ ગરીબ બાળકોને ફૂડ પૅકેટ અને અબોલ જીવની અનન્ય સેવા કરી રહ્યાં છે. દેશમાં વૈશ્ર્વિક મહામારી કોરોનાને ફેલાતી અટકાવવાની સૌથી મોટી જવાબદારી હાલ આરોગ્ય વિભાગ અને પોલીસના શિરે આવી પડી છે ત્યારે આજ હળવદ પોલીસ મથકના કર્મશીલ પીઆઈ સંદીપ ખાંભલાનો જન્મદિવસ છે. જો કે, આ કપરી કસોટીના સમયમાં તેઓ પોતાના જન્મદિવસને ઉજવવાનું ભૂલી ગયાં છે અને જ્યારથી લૉકડાઉન અમલી છે ત્યારથી હળવદ વિસ્તારના ગરીબ પરિવાર, બાળકો માટે ડ્યુટી સમાપ્ત થયાં બાદ પણ સતત દોડધામ કરી રાશન અને ફૂડ પૅકેટ વિતરણ કરી બનતી મદદ કરી રહ્યાં છે. લૉકડાઉનની સ્થિતિમાં લોકોને સમજાવટ થકી ઘરમાં જ રહેવા માટે અનુરોધ કરી રહેલાં હળવદ પીઆઈ સંદીપ ખાંભલા આ વિકટ સ્થિતિમાં ગરીબ પરિવારો-બાળકોની સાથો-સાથ અબોલ જીવને ભૂલ્યા નથી અને પોતાના નિત્યક્રમ મુજબ પોતાના ખંભે લીલું-સુકૂં ઘાંસ લઈ જ્યાં-જ્યાં અબોલ જીવ જોવા મળે ત્યાં ઘાંસચારો નીરી ખાખી વર્ધીમાં છૂપાયેલી માનવતાના દર્શન કરાવી રહ્યાં છે.આજના શુભ દિવસે તેઓને પરિવારજનો, સગા-સ્નેહીઓ અને મિત્ર વર્તુળ તરફથી ખૂબ-ખૂબ શુભકામનાઓ મળી રહી છે.