મામલતદાર, પી.આઈ, તાલુકા વિકાસ અધિકારી, સરકારી હોસ્પિટલના ડોક્ટર તેમજ માર્કેટ યાર્ડના સેક્રેટરી સહિતનાઓ હાજર રહ્યા હળવદ : ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને ગુજરાતમાં ફેલાતો અટકાવવા માટે સરકાર સક્રીય બની છે. ત્યારે આજે કોરોના વાયરસ સામે લડવા માટેની રણનીતિ બનાવવા હળવદ કોર્ટમાં પ્રિન્સિપાલ જજ જેઠવા સાહેબ અને રાજ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકાના તમામ સંકલન અધિકારીઓની બેઠક યોજાઈ હતી. હાલ કોરોના વાયરસના પોઝિટિવ કેસો ગુજરાતમાં પણ નોંધાયા છે ત્યારે કોરોના વાઇરસથી ડરીએ નહિ પરંતુ તેની સામે લડીએ અને તેને અટકાવવા શું કરવું પડે તેમ સહિતની વિશેષ જાણકારી લોકો સુધી પહોંચે, તેવા હેતુ સાથે પ્રિન્સિપાલ જજ જેઠવા સાહેબ અને રાજ સાહેબના અધ્યક્ષ સ્થાને હળવદ તાલુકાના તમામ સંકલન અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં હળવદ મામલતદાર વી. કે. સોલંકી, તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ, હળવદ પી.આઈ. સંદીપભાઈ ખાંભલા, ચીફ ઓફિસર સાગરભાઈ રાતડીયા, મેડિકલ ઓફિસર કૌશલભાઈ પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પ્રિન્સિપાલ જજ પી. ડી. જેઠવા એ જણાવ્યું હતું કે ખાસ કરીને હળવદ માર્કેટ યાર્ડની દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં લોકોની આવન-જાવન રહેતી હોય છે. જેથી, માર્કેટ યાર્ડના બંને ગેટ ઉપર વોશબેસિન, સેનિટાઝેશન તેમજ દરેક વ્યક્તિના થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવે. આ ઉપરાંત, હળવદ મામલતદાર કચેરીમાં પણ વોશબેસિન, સેનિટાઈઝેશનની કામગીરી કરવામાં આવે. વધુમાં, કચેરીના કામ માટે લોકોને બિનજરૂરી આવન-જાવન ન કરવામાં આવે અને કેસ બોર્ડ પંદર દિવસ સુધી મુલતવી રાખવામાં આવે તથા કચેરીઓની પૂરતી સાફ-સફાઈ કરવામાં આવે. તેમજ શહેરમાં વિવિધ જગ્યાઓ પર ટ્રાફિકને કારણે લોકો એકઠા થતાં હોય છે. જેથી, પોલીસ દ્વારા બિનજરૂરી ટ્રાફિક દૂર કરવામાં આવે સાથે જ પાલિકા દ્વારા શહેરમાં ગંદકી દૂર કરવામાં આવે અને ગંદકી ન ફેલાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે. કોરોના વાયરસથી લોકો જાગૃત બને તે માટે વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.