માણેકવાડા ગામે પરણિતાને મરવા મજબુર કરવાના કેસમાં નામદાર અદાલત દ્વારા આકરો ચુકાદો મોરબી : મોરબીના પીપળી ગામે માવતર ધરાવતી પરણીતાને માણેકવાડા ગામે લગ્ન થયા બાદ સાસુ - સસરાએ નાની-નાની બાબતમાં મેણા-ટોણા મારવાની સાથે સાથે શરીરિક ત્રાસ આપતા વર્ષ 2016માં પરણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ મામલે ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી. જે અંગેનો કેસ ચાલી જતા આજે આ ચકચારી બનાવમાં નામદાર અદાલતે આરોપી સાસુ અને સસરાને પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી. આ કેસની ટૂંકી વિગત જોઈએ તો, મોરબીના પીપળી ગામે માવતર ધરાવતા તૃપ્તિબેનના લગ્ન વર્ષ 2015માં માણેકવાડા ગામના ઉમેશકુમાર અરજણભાઈ ગોધવિયા સાથે થયા હતા. પતિ-પત્ની વચ્ચે સુમેળ ભર્યા સંબંધો થકી તૃપ્તિબેનનો ઘરસંસાર બરાબર ચાલતો હતો પરંતુ તૃપ્તિબેનના સાસુ લાભુબેન અને સસરા અરજણભાઈ લવજીભાઈ ગોધવિયા તૃપ્તિબેનને નાની-નાની બાબતમાં મેણાં-ટોણા મારવાની સાથે શારીરિક ત્રાસ પણ આપતા હોય સાસુ સસરાના કરતૂટુ અંગે તૃપ્તિબેને તેમના ભાઈ પ્રફુલભાઇ પ્રવીણભાઈ જગોદરા તથા તેમના પરિવારને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા. દરમિયાન તા.12 જૂન, 2016ના રોજ તૃપ્તિબેનના ભાઈ પ્રફુલભાઇ સાસરીયાઓના ત્રાસ અંગે સમજાવટ કરવા જતા માવતર પક્ષની હાજરીમાં જ સાસુ લાભુબેને તૃપ્તિબેન સાથે કરિયાવર સહિતની બાબતે ઝઘડો કરી હાથ ઉપાડી લીધો હતો અને બીજા દિવસે તૃપ્તિબેને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમના રૂમના દરવાજા તોડી પ્રફુલભાઇ અને તેમના સંબંધીએ સારવાર માટે મોરબી ખસેડેલ, પરંતુ ત્યાં તેમનો મૃતદેહ જ પહોંચ્યો હતો. આ બનાવ અંગે મૃતક તૃપ્તિબેનના ભાઈએ સાસુ-સસરા વિરુદ્ધ તૃપ્તિબેનને મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન એક વર્ષના લગ્નજીવનમાં જ સાસુ-સસરાનો ત્રાસ પરણીતાને મરવા મજબુર કરવા અંગેનો કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ સી.જી.મહેતા સાહેબની કોર્ટમાં ચાલી જતા આજે નામદાર અદાલતે તમામ પુરાવાઓ અને સાહેદોની જુબાની તેમજ ફરિયાદ પક્ષે થયેલ દલીલોને આધારે સાસુ લાભુબેન અને સસરા અરજણભાઈને પાંચ વર્ષની કેદની સજા ઉપરાંત દંડ પણ ફટકાર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..