ફેકટરી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આપ્યું આવેદન મોરબી : ટંકારાના લજાઈ ગામે એક ફેકટરી દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું હોય જે મામલે અગાઉ રજુઆત કરવા છતાં પણ આ સિલસિલો યથાવત રહેતા ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી ઉપવાસ આંદોલન, ચક્કાજામ અને ફેકટરીમાં હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. રજુઆતમાં જણાવાયુ હતું કે લજાઈ ગામમાં આવેલી ચીલફીલ ફુડ પ્રા.લી.માં વેફર તેમજ વિવિધ પ્રકારના નમકીન બનાવવામાં આવે છે. આ કંપની છેલ્લા એક વર્ષથી લજાઈ ગામમાં એર પોલ્યુશન તેમજ ડસ્ટ ફેલાવી રહી છે. જેનાથી ગ્રામજનોના સ્વાસ્થ્યને હાની પહોચેલ છે. આજુ બાજુમાં રહેતા લોકોના અહીંથી આવતી ગંધથી માનસીક સ્થિતી ખરાબ થઈ છે. અને ઘરની બહાર નીકળવામાં પણ હેરાનગતી ઉભી થાય છે. આ દુર્ગંધના કારણે લજાઈ ગામમાં રહેતા લોકોને તેમના ઘરમાં પણ રહેવુ મુશ્કેલ થઈ રહ્યું છે.કંપનીની ચીમનીમાંથી કાળી ડસ્ટ આજુબાજુમાં રહેતા લોકોના ઘરે ઉડીને જતી હોય અને ખાવાપીવાની વસ્તુઓ દ્વારા આ ડસ્ટ ગ્રામજનોના શરીરમાં જઇ રહી છે. જેનાથી સ્વસ્થ્ય સબંધી બીમારી થઈ શકે તેમ હોય અને મોટો રોગચાળો ફાટી નીકળે તેમ છે. કંપનીની એકદમ બાજુમાં આંગણવાડી તેમજ સ્કુલ આવેલી છે. જેથી આ દુર્ગંધથી નાના બાળકોના સ્વાસ્થ પર ખુબજ ગંભીર અસર પડે છે. અને અને બાળકો આ દુગંધના કારણે અવારનવાર બીમાર પડે છે. આ મામલે તા.૦૩/૦૮/૨૦૨૩ ના રોજ રજુઆત કરવામાં આવી હતી. છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જો આ ફેકટરીનુ પ્રદુષણ આમને આમ ચાલુ રહેશે તો ગ્રામજનો ઉપવાસ આંદોલન કરશે. ઉપવાસ આંદોલન કરવા છતા પણ જો રજુઆત અંગે કોઈ યોગ્ય પગલા લેવામાં નહી આવે તો ગ્રામજનો રોડ પર ચકકાજામ કરી રોડ રોકો આંદોલન કરશે અને છતા રજુઆત ધ્યાને લેવામાં નહી આવે તો ગ્રામજનોને ના છુટકે કાયદો હાથમાં લઈ આ ચીલફીલ ફુડ પ્રા.લી. કંપની પર હલ્લાબોલ કરશે.