અપરણિત ગુજરી ગયેલા ખેડૂતની પુત્રી બની ધ્રાંગધ્રાની મહિલાએ આચરેલા કૌભાંડ અંગે ફરિયાદહળવદ : હળવદ તાલુકાના કવાડિયા ગામે અપરણિત ગુજરી ગયેલા ખેડૂતના બોગસ મરણના દાખલા અને પેઢીનામું બનાવી ધ્રાંગધ્રાની મહિલાએ પોતે વારસદાર પુત્રી હોવાનું જાહેર કરી ખેતીની જમીનમાં નામ ચડાવી દઈ બેન્કમાંથી 7.90 લાખનું ધિરાણ મેળવી લેતા જમીનના ખરા માલિકોએ હળવદ પોલીસ મથકમાં જમીન કૌભાંડ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે કૌભાંડી મહિલા અને કૌભાંડ આચરવામાં મદદ કરનારા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા મશરુભાઇ તિકુભાઈ લોદરિયાએ હળવદ પોલીસ મથકમાં આરોપી ચંપાબેન દેવજીભાઈ કોળી રહે.ધ્રાંગધ્રા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના પૂર્વજોની માલિકીની રેવન્યુ સર્વે નંબર 265 પૈકી 36ની જમીન કવાડિયા ખાતે આવેલી છે.જેમાં તેમના કાકા અવચરભાઈ તિકુભાઈ અપરણિત ગુજરી ગયા હોવા છતાં આ ચંપાબેન નામની મહિલાએ જીવા ગ્રામ પંચાયતના ખોટા મરણના દાખલા રજૂ કરી ખોટી મરણ તારીખ દર્શાવી ચંપાબેને પોતે અવચરભાઈની પુત્રી હોવાનું ખોટું સોગંદનામું કરી જમીન હડપ કરવા હક્કપત્રકમાં નોંધ કરાવી લઈ બેન્કમાંથી રૂ.7.90 લાખ કૃષિ વિષયક ધિરાણ મેળવી કૌભાંડ આચર્યું હતું.ફરિયાદી પોતાની વારસાઈ નોંધ કરાવવા જતા સમગ્ર મામલો સામે આવતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.