22 માર્ચ પહેલા મૃતકના પરિવારજનોને રૂ. 5 - 5 લાખ અને ઇજાગ્રસ્તોને 1 -1 લાખ ચુકવશે રાજ્યના તમામ પુલનું દર વર્ષે ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ નિરીક્ષણ કરાશે સરકારની નવી નીતિ અમલી મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો રિટ પિટિશનની સુનાવણી દરમિયાન અજંતા ઓરેવા કંપનીએ બે તબક્કામાં દુર્ઘટના પીડિતોને વળતર ચૂકવવા જણાવ્યું હતું જેમાં 22 માર્ચ પહેલા મૃતકના પરિવારજનોને રૂ. 5 - 5 લાખ અને ઇજાગ્રસ્તોને 1 -1 લાખ ચુકવવામાં આવશે. દરમિયાન હાઇકોર્ટની ફટકારને પગલે ગુજરાત સરકારે રાજ્યભરના તમામ પુલ માટે સર્વગ્રાહી નીતિ અમલમાં મૂકી હોવાનું જાહેર કરી રાજ્યના તમામ પુલનું દર વર્ષે ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ નિરીક્ષણ કરાશે તેવું નામદાર કોર્ટ સમક્ષ જાહેર કર્યું હતું. મોરબી ઝૂલતા દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના જીવ ગયા બાદ ચોંકાવનારું સત્ય બહાર આવ્યું હતું કે, રાજ્યના શહેરી વિસ્તારોમાં પુલના નિરક્ષણ અને રખરખાવ માટે કોઈ સર્વગ્રાહી નીતિ જ અમલમાં ન હોવાનું સુઓમોટો રિટ પિટિશન બાદ બહાર આવતા જેને પગલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારનો ઉધડો લેવામાં આવતા રાજ્ય સરકારે પુલ અંગે નીતિ બનાવી હાઈકોર્ટમાં રજૂ કરી છે. ગુજરાત સરકારે તા.6 માર્ચ 2023ના ઠરાવથી નવી નીતિ અમલી બનાવી છે, જે અન્વયે રાજ્યના તમામ પુલનું દર વર્ષે ચોમાસા પહેલા ઉનાળામાં એટલે કે મે માસમાં અને ચોમાસા બાદ એટલે કે ઓક્ટોબર માસમાં નિરીક્ષણ કરીને તેની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે. પુલનું સમારકામ થયા બાદ તેને નાગરિકો અથવા તો વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાય કે તરત જ રજિસ્ટરમાં ફરજિયાતપણે તેની નોંધ પણ કરવામાં આવશે. વધુમાં રાજયના શહેરી વિસ્તારના તમામ પુલ શહેરી વિકાસ વિભાગ (અર્બન ડેવલપમેન્ટ) અને અન્ય વિસ્તારોમાં રહેલા પુલની જવાબદાર માર્ગ- મકાન વિભાગ અંતર્ગત આવે છે. બંને વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં, તમામ પાસાઓ પર વિચારણા પછી આ નીતિ સંદર્ભે માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી. સમયાંતરે નિયમ મુજબ તમામ પુલ-નાળાનું સરકાર આ નવી સર્વગ્રાહી નીતિ અમલમાં લાવી છે. પુલના નિરીક્ષણની તમામ જવાબદારી ડેપ્યુટી ઈજનેરની અને નિરીક્ષણ અને મરામતની સમીક્ષાની તમામ જવાબદારી એક્ઝિક્યુટિવ ઈજનેરોની રહેશે. સરકારે જાહેર કરેલી આ નીતિમાં પુલ પર જરી પ્રોટેક્ટિવ વર્ક, વોટર પરની કામગીરી, ફાઉન્ડેશન અને મરામત, પુલ પરના સબસ્ટ્રક્ચર, બેરિંગ, સુપર સ્ટ્રક્ચર, લાકડાંના પુલના સ્ટ્રક્ચર, એક્સપાન્શન જોઈન્ટ, ફુટપાથ સહિતની બાબતોનો ઉલ્લેખ કરાયો છે. બીજી તરફ નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ઓરેવા કંપનીના ડિરેક્ટર જયસુખ પટેલના વકીલની રજૂઆત હતી કે ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકો અને ઘાયલોને કુલ રૂપિયા 7 કરોડ 21 લાખનું વળતર બે તબક્કામાં ચુકવાશે. જેમાં પ્રથમ તબક્કામાં 22 માર્ચ સુધીમાં મૃતક પરિવારોને રૂપિયા 5 - 5 લાખ અને ઘાયલોને રૂપિયા એક-એક લાખ ચુકવાશે અને આટલી જ રકમ બીજા તબક્કામાં પણ ચુકવવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.