મહિલા સહિત ચાર ઈસમોએ ગામ માથે લીધું : ત્રણ વ્યક્તિને ધોકાવી નાખતા ફરિયાદ હળવદ : હળવદ તાલુકાના ઇસનપુર ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા મહિલા સહિતના ચાર માથાફરેલા ઈસમોએ ત્રણ વ્યક્તિને ધોકા, ધારીયા સહિતના હથિયાર વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ હળવદના જુના ઇસનપુર ગામે રહેતા રાયધનભાઇ લવજીભાઇ વરાણીયાએ હળવદ પોલીસ મથકમાં રમણીક કેશાભાઇ વરાણીયા, જયંતિભાઇ કેશાભાઇ વરાણીયા, દિપકભાઇ કેશાભાઇ વરાણીયા, કનુબેન કેશાભાઇ વરાણીયા, રહે-બધા જુના ઇશનપુર તા-હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે આરોપીઓ ઘર નજીક ગાળો બોલતા હોય સાહેદ જિજ્ઞાબેને ગાળો બોલવાની ના પાડતા ચારેય ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યો હતો. વધુમાં રાત્રીના સમયે ચારેય માથાફરેલા ઈસમોએ ફરિયાદી રાયધનભાઇ, સાહેદ જિજ્ઞાબેન અને પરબતભાઇ ઉપર ધોકા, ધારીયા સહિતના હથિયાર વડે તૂટી પડતા ત્રણેયને ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે રાયધનભાઈની ફરિયાદને આધારે મહિલા સહિત ચારેય શખ્સો વિરુદ્ધ પોલીસે આઈપીસી કલમ ૩૨૫,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪મુજબ જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.