છેલ્લા પાંચ-છ દિવસથી પાણી ન આવતું હોય અને રસ્તાઓ ગંદકીના ગંજ છવાઈ જવા છતાં સરપંચ યોગ્ય કામગીરી ન કરતા મહિલાઓ વિફરી અને સરપંચ સામે આક્ષેપ કરી ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હળવદ : હળવદના નવા માલણીયાદ ગામે પાણી પ્રશ્ને મહિલાઓએ બેડા સરઘસ કાઢ્યું હતું. જેમાં છેલ્લા પાંચ-છ દિવસથી પાણી ન આવતું હોય અને રસ્તાઓ ગંદકીના ગંજ છવાઈ જવા છતાં સરપંચ યોગ્ય કામગીરી ન કરતા મહિલાઓ વિફરી હતી અને સરપંચ સામે આક્ષેપ કરી ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. હળવદના નવા માલણીયાદ ગામે આવેલ નવાપરા વિસ્તારમાં રહેતી મહિલાઓએ આજે પાણી પ્રશ્ને બેડાં સરઘસ કાઢી ઉગ્ર આક્રોશ ઠાલવીને કહ્યું હતું કે, તેમના વિસ્તારમાં છેલ્લા પાંચ છ દિવસથી પીવાનું પાણી આવતું ન હોવાથી મહિલાઓને ભારે વલખા મારવા પડે છે. એક બેડા પાણી માટે ભારે રઝળપાટ કરવો પડે છે. તેમજ હમણાંથી વરસાદને લીધે રસ્તાઓ ઉપર ગંદકીના ગંજ છવાઈ જતા ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. જો આ પાણી અને ગંદકીના પ્રશ્ને વારંવાર સરપંચને રજુઆત કરવા છતાં તેઓ યોગ્ય કામગીરી કરતા ન હોવાનો આક્ષેપ કર્યો હતો. આથી મહિલાએ રોષે ભરાય બેડાં સાથે ગામના રસ્તા ઉપર નીકળીને બળાપો ઠાલવ્યો હતો કે, સરપંચ મત લેવા ટાણે ઘરે ઘરે આવતા અને હવે સમસ્યા આવી ત્યારે પાછીપાની કરી રહ્યા છે. ઉપરથી રજુઆત કરીએ ત્યારે તમે મફતીયા છો તમને પાણી નહિ મળે એવો જવાબ સરપંચ આપતા હોવાનો મહિલાઓએ આક્ષેપ કર્યો હતો.