ગત મોડી રાત્રિના પંચમુખી ઢોરા પાસે ટેલીફોન એક્સચેન્જ નજીક બની ઘટના હળવદ : હળવદ શહેરમાં ગત રાત્રિના ધાંગધ્રા રોડ પર આવે ટેલીફોન એક્સચેન્જ પાસે એક યુવાનને છરીનો ઘા જીકી દેતા ગંભીર હાલતમાં સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાર બાદ સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે બીજી તરફ બનાવને પગલે પોલીસ ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લેવા સુરેન્દ્રનગર દોડી ગઈ હોવાનું સામે આવ્યું છે. બનાવી જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં રહેતા રામાભાઇ જીલાભાઇ ઠાકોર ઉમર 26 ગતરાત્રિના 10:30 વાગ્યાની આસપાસ પંચમુખી ઢોરા પાસે આવેલ ટેલીફોન એક્સચેન્જ નજીક ઉભા હતા ત્યારે પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા શખ્સે કોઈ કારણોસર બોલાચાલી કર્યા બાદ રામાભાઇને પેટના ડાબા ભાગે છરીનો ઘા જીકી દેતા રામાભાઇ ઘટના સ્થળે જ ઢળી પડ્યા હતા. બનાવને પગલે લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યો છે. બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસ સુરેન્દ્રનગર ફરિયાદ લેવા દોડી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.