બંગડી,બોપટીની ધંધાર્થી મહિલા સાથે શખ્સને માથાકૂટ થયા બાદ વિના વાંકે ચા વાળા ઝપટે ચડી ગયા હળવદ: હળવદ શહેરમાં આજે બપોરના એક અજાણ્યા શખ્સે ચાની હોટલના ધંધાર્થીને વિના કારણે દાતરડાનો ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત વૃદ્ધને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ હળવદના બસ સ્ટેશન રોડ ઉપરના વળાંક પર મેલડી માતાજીના મંદિર પાસે ચાની લારી ઊભી રાખી ધંધો કરતા નવલગીરી હિંમતગિરી ગોસ્વામી ઉંમર ૬૫ ને અજાણ્યા શખ્સે વિના કારણે શરીરના પાછળના ભાગે દાતરડાંનો ઘા ઝીંકી દેતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. વધુમાં આ યુવાને બંગડી, બોપટીની ધંધાથી મહિલા સાથે કોઈ કારણોસર માથાકૂટ કરી હતી જોકે ત્યાંથી આ શખ્સે બાજુમાં ધસી આવી વિના વાંકે ચા વેચતા વૃદ્ધને અડફેટે લીધા હતા જોકે આ બનાવ બન્યા બાદ આજુબાજુના લોકો દ્વારા આ યુવાનને પકડી લઈ પોલીસને જાણ કરી પોલીસને સોંપી દીધો હતો.