બાઇકની લાઈટનો પ્રકાશ પડવાની માથાકૂટનો ખાર રાખી છ શખ્સોએ આતંક મચાવ્યો મોરબી : મોરબીના ધરમપુર ગામે બાઇકની લાઈટનો પ્રકાશ ફેંકવા મામલે માથાકૂટ થયા બાદ છ શખ્સોએ આંતક મચાવ્યો હતો. જેમાં છ શખ્સોએ ઘરમાં ઘુસી યુવાન ઉપર હુમલો કરીને ઘરમાં તોડફોડ કરી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાહુલભાઇ રમેશભાઇ ગણેશીયા (ઉવ. ૨૧ ધંધો મજુરી રહે હાલ નવાધરમપુર લાલભાના મકાનમાં, મોરબી) એ આરોપીઓ ભરતભાઇ રામજીભાઇ પરમાર અજાણ્યા પાંચ ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૬ ના રોજ રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં આરોપીઓએ ધારીયુ, કુહાડી, લાકડાના ધોકા જેવા જીવલેણ હથીયાર ધારણ કરી ફરીયાદીના ભાઇ અંકુરના સાળાના બાઈકની લાઇટનો પ્રકાશ આરોપી ભરતભાઇ રામજીભાઇ પરમાર ઉપર પડતા ફરીયાદીના ભાઇ અંકુર અને આરોપી વચ્ચે સામાન્ય બોલાચાલી થતા જે બાબતેનો ખાર રાખી આરોપી ભરતભાઇ રામજીભાઇ પરમાર તથા તેની સાથેના અજાણ્યા પાંચ ઇસમોએ ફરીયાદીના ઘરમાં ઘુસી ગાળો આપી ફરીયાદીને તથા ફરીયાદીના માતા સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ફરીયાદીને મથામાં લાકડાના ઘોકા વડે ઇજા કરી તથા સાહેદને મુંઢમાર મારી ફરીયાદીના ઘરમાં દરવાજામાં તથા ઘરવખરીના સર સામનમાં તોડફોડ નુકશાન કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.