ભરતનગરમાં 25 વર્ષથી થાય છે અખંડ પ્રભાતફેરીભગવાન શ્રી રામના નામ સાથે થાય છે દિનચર્યાની શરૂઆતમોરબી : ગામડામાં વહેલી સવારે થતી પ્રભાતફેરી હવે ભૂતકાળ બની છે ત્યારે મોરબીના કચ્છ હાઇવે ઉપર આવેલા નાના એવા ભરતનગર ગામે છેલ્લા 45 વર્ષથી અખંડ પ્રભાતફેરી કરવાની પરંપરા આજે પણ જળવાયેલી છે. શ્રીરામ જય રામ, જય... જય...રામના મંત્રજાપ સાથે ગ્રામજનો પોતાના દિવસનો અને દિનચર્યાનો શુભારંભ કરે છે. આદ્ય ગામ સાદુળકાથી અંદાજે 60 વર્ષ પહેલા ચાલું થયેલી પ્રભાતફેરી ભૂકંપ પછી કચ્છ હાઇવે પાસે વસેલા આ નાનકડા ભરતનગર ગામના રામાયણ પ્રેમી મગનભાઈ નરશીભાઈ ગોધાણી, ચતુરભાઈ કેશાભાઈ પાંચોટીયા અને બચુભાઈ જેરામભાઈ ફેફર નામના ત્રણ બુઝુર્ગ મિત્રોએ શરૂ કરી હતી. આ હરિ કિર્તનની ફેરી એટલે કે પ્રભાત ફેરીની પરંપરા આજે 25 વર્ષ બાદ પણ ગ્રામજનોએ અકબંધ શ્રધ્ધા સાથે ચાલુ રાખી છે. ચોમાસાનો ધોધમાર વરસાદ હોય કે શિયાળની કડકડતી ઠંડી હોય આ ગામની પ્રભાત ફેરવીને કોઈ દિવસ આંચ આવી નથી. હેતુ વિના હેત ઉપજાવે એવી આ પ્રભાત ફેરીમા હંસરાજભાઇ ફેફરના નેતૃત્વમાં વડીલો સાથે ગામની પુત્રવધૂઓ પણ વહેલી સવારે નિજાનંદ માટે જોડાઇ છે અને પ્રભાતફેરીના આ મનોરમ્ય દ્રશ્ય જોવા એ પણ એક લ્હાવો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ગ્રામજનો કહે છે કે પ્રભુ સ્મરણ સાથે પરિભ્રમણ કરતા કરતાં ભક્તિ અને આનંદ સાથે તન મનની આધ્યાત્મિક બેટરી ચાર્જ થયી જાય છે. સત્સંગી બહેનો કહે છે કે રામનાદ ધ્વનિ સાંભળીને ગામનાં કેટલાય પરિવારોમાં સવાર પડે છે.એનો અમને અનેરો આનંદ થાય છે.આ અખંડ પ્રભાત ફેરીમાં ગામમાં આવતા મહેમાનો પણ હર્ષભેર જોડાય છે. તાજેતરમાં મુન્દ્રાના ડો. કેશુભાઈ મોરસાણિયાએ પણ પ્રભાતફેરીમાં જોડાઈ રાજીપો વ્યક્ત કરતા કહ્યું કે રામજી મંદિરમાં પાંચેક બહેનો પહેલા આવીને ઘંટનાદથી સાથીઓને શુભ સંકેત આપે છે અને જોત જોતામાં બધા સભ્યો ગામના ચોકમાં ભેગા થાય છે બરોબર પાંચના ટકોરે પ્રભાત ફેરીનો પ્રારંભ થાય છે.આ પ્રભાતફેરી દરિમયાન ગામના કેટલાય પરિવારો ઘરના ઓટલે અનાજની વાટકી મૂકી રાખે છે. બાદમાં પ્રભાતફેરીની કીર્તન મંડળીના સભ્ય આ અનાજ પોતાની થેલીમાં એકત્ર કરે છે અને હંસરાજભાઈ અને તેમના સાથીઓ હનુમાનજી મંદિર તેમજ સ્મશાન ઘાટે ચકલાને ચણ આપી આ ત્રીસેક મિનિટના હરતા ફરતા ઊર્જામય અને ભક્તિમય કાર્યક્રમને પૂર્ણ કરે છે. પ્રભાતફેરી એ આપણી જૂની પરંપરા રહી છે ભાગદોડ વાળી આ યંત્રવત જિંદગીમાં ઘણીવાર આવા અડધો કલાકના ભક્તિમય કાર્યક્રમ દિવસના બાર કલાકને સ્ફૂર્તિ અને ઉર્જાથી ભરી દેતા હોવાનું અને તેથી જ ગ્રામજીવનના નાનકડા કાર્યક્રમો નિરામય જીવન જીવવાના માટે અક્ષીર ઔષધ પુરવાર થઈ રહ્યા હોવાનું પણ ગામના વડીલોએ જણાવ્યું હતું.