હળવદ પોલીસ સ્ટેશન નજીક કોર્ટ પરિસર પાસે સરાજાહેર બનેલી ચકચારી ઘટનામાં ફરિયાદ નોંધાઈ : બન્ને ઇજાગ્રસ્તો સુરેન્દ્રનગર સારવારમાં હળવદ : હળવદ પોલીસ મથકથી 200 મીટર દૂર કોર્ટ પરિસર નજીક કોર્ટ મુદતે આવેલા નવા દેવળીયા ગામના બે સગાભાઇઓ ઉપર કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરી બંદૂકથી ભડાકા કરવા કોશિશ કરવાના બનાવમાં હળવદ પોલીસ મથકમાં બે હુમલાખોર વિરુદ્ધ ઈજાગ્રસ્ત યુવાને ફરિયાદ નોંધાવી છે, આ બનાવ પાછળ પ્રેમલગ્ન કારણભૂત હોવાનું અને બન્ને હુમલાખોર ફરિયાદીના સસરા અને સાળા થતા હોવાનું બહાર આવ્યું છે.હળવદમાં કોર્ટ પરિસર બહાર બે યુવાનો ઉપર બિહાર યુપી સ્ટાઇલ ફિલ્મીઢબે થયેલા હુમલાની વિગત જોઈએ તો આ કેસમાં ઈજાગ્રસ્ત બનેલા મૂળ નવા દેવળીયા ગામના વતની અને હાલમાં જામનગર ખાતે રહેતા અને રિલાયન્સમાં ડ્રાઈવીંગ કરતા પ્રદ્યુમનસિંહ દશરથસિંહ ઉર્ફે દશુભા પરમાર ઉ.27 નામના યુવાને આરોપી રાજેશભાઈ ઉફે મુન્નાભાઈ મનજીભાઈ ભોરણીયા અને તેનો પુત્ર પ્રેમ ઉફે કાનો રાજેશભાઈ ઉફે મુન્નાભાઈ ભોરણીયા બન્ને રહે. જુના દેવળીયા તા.હળવદ જી.મોરબીવાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે બે વર્ષ પૂર્વે તેમને આરોપી રાજેશભાઈ ઉફે મુન્નાભાઈ મનજીભાઈ ભોરણીયાની પુત્રી તુલસી સાથે પ્રેમલગ્ન કર્યા હોય જેનો ખાર રાખી આરોપી પિતાપુત્ર ગઈકાલે ફરિયાદી પ્રદ્યુમનસિંહ તેમજ તેમના ભાઈ પંકજસિંહ કોર્ટ મુદતે આવતા છરી વડે હુમલો કર્યો હતો.વધુમાં સુરેન્દ્રનગર હોસ્પિટલના બિછાનેથી ફરિયાદ નોંધાવતા પ્રદ્યુમનસિંહ દશરથસિંહ ઉર્ફે દશુભા પરમારે જણાવ્યું હતું કે, કોર્ટમાંથી મુદત પૂર્ણ કરી તેઓ એક જ બાઇકમાં તેમના ભાઈ પંકજસિંહ તેમજ ભાણુભા કુલદીપસિંહ દેવેન્દ્રસિંહ જાડેજા સાથે હાઇવે ઉપર જતા હતા ત્યારે આરોપીઓએ પુરપાટ ઝડપે એક કારમાં આવ્યા હતા અને કાર બાઈક ઉપર નાખતા કાર સાઈડમાં ફૂટપાથ સાથે અથડાઈ હતી અને તેઓ બાઈક મામલતદાર કચેરીના કમ્પાઉન્ડ તરફ લઈને ભાગતા પડી ગયા હતા ત્યારે આરોપી એવા સસરા અને સાળાએ છરી વડે બન્ને ભાઈઓ ઉપર હુમલો કરી નેફામાંથી પિસ્તોલ કાઢતા પ્રદ્યુમનસિંહ પિસ્તોલ પડાવી લઈ ઈજાગ્રસ્ત હાલતમાં કોર્ટમાં દોડી ગયા હતા.હાલમાં બન્ને ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગર ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં પંકજસિંહને વધુ ઈજાઓ હોય ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જાહેર કરાયું છે, આ ગંભીર બનાવ મામલે હળવદ પોલીસે આરોપી રાજેશભાઈ ઉફે મુન્નાભાઈ મનજીભાઈ ભોરણીયા અને તેનો પુત્ર પ્રેમ ઉફે કાનો રાજેશભાઈ ઉફે મુન્નાભાઈ ભોરણીયા બન્ને રહે. જુના દેવળીયા તા.હળવદ તેમજ તપાસમાં જે લોકોના નામ ખુલે તે તમામ વિરુદ્ધ હત્યાની કોશિશ આર્મ્સ એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.