કંસ વધનું નાટક પણ ભજવાયું : આવતીકાલે કથાની પૂર્ણાહુતિ મોરબી : મોરબીના નાની વાવડી ગામે ભાગવત કથા ચાલી રહી છે. જેમાં આજે રૂક્ષ્મણી વિવાહના પ્રસંગે એક દીકરીના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા. કથા શ્રવણ માટે આવેલા સૌ ભાવિકો આ લગ્નમાં હરખભેર જોડાયા હતા. મોરબી નજીક આવેલ નાની વાવડી ગામે પડસુંબિયા પરિવાર દ્વારા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કથાકાર પીયૂષભાઈ પંડ્યા (ઘુટુંવાળા) ભાગવત કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે. તેઓ કથાના માધ્યમથી અધ્યત્મિક જ્ઞાનની સાથે વર્તમાન જીવનશૈલી અંગે પણ સચોટ જ્ઞાન આપી રહ્યા છે. ત્યારે આજે આ ભાગવત કથાના છઠા દિવસે રુક્ષમણી વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં એક દીકરીના લગ્ન પણ કરવામાં આવ્યા હતા. આ ભાગવત કથામાં કંસ વધનું નાટક નાની વાવડી શક્તિ ગરબી મંડળ દ્વારા ભજવાયું હતું. જેમાં કંસ બાળ કૃષ્ણના વધ માટે રાક્ષસી માસી પૂતનાને મોકલે અને બાળ કૃષ્ણ માસી પૂતનાનો વધ કર્યા બાદ બાળ કૃષ્ણ મામા કંસનો વધ કરતા હોવાનો આ ઐતિહાસિક પ્રસંગ નાટકમાં આબેહૂબ રજૂ કરવામાં આવ્યો હતો. આ નાટક નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આવતીકાલે આ ભાગવત કથાની પુર્ણાહુતી કરાશે.