મોરબીના જાબુડિયા ગામે હત્યાના બનાવની મૃતકના પુત્રએ જાહેરાત કરતા પોલીસે તપાસ હાથ ધરી મોરબી : મોરબીના જાબુડિયા ગામે પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસનો કરુણ અંજામ આવ્યો છે. જેમાં રોજ રોજના ઘરકંકાસમાં પતિ ઉપર આજે ખૂન્નસ સવાર થઈ જતા કોધિત થયેલા પતિએ પોતાની પત્નીને ગળાના ભાગે કુહાડીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્રએ જાહેરાત કરતા તાલુકા પોલીસ કાફલો દોડી જઈને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જાબુડિયા ગામે આવેલ શક્તિપરામાં રહેતી મંજુબેન હંસરાજભાઈ ઝીઝવાડિયા (ઉ.વ.50) નામની મહિલાની તેના ઘરના ફળિયામાં આજે બપોરે હત્યા કરેલી લાશ મળી આવી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્ર ગુણવતભાઈ હંસરાજભાઈ ઝીઝવાડિયાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે તેની માતા મંજુબેનની તેના પિતા હંસરાજભાઈ મોહનભાઇ ઝીઝવાડિયાએ કુહાડીના ઘા ગળાના ભાગે ઝીકી હત્યા કરી નાખી હતી. આ બનાવની જાણ થતા તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાના બનાવ અંગે મોરબી તાલુકા ઇન્ચાર્જ પીઆઇ વિરલ પટેલે જણાવ્યું હતું કે, મૃતક મંજુબેનની તેના પતિએ હત્યા કરી હોવાનું હાલની તપાસમાં ખુલ્યું છે. ઘરકંકાસમાં પતિએ જ પત્નીની હત્યા કરી નાખી છે. જેમાં મૃતકનો પતિ જીદી સ્વભાવનો છે. જેમાં મૃતક મહિલા પતિથી અલગ એટલે તેના પુત્ર સાથે રહેતી હોય મારી સાથે કેમ નથી રહેતી તેમ કહીને પતિ વારંવાર કજિયા કરતો હતો અને આજે આ કજિયાના આવેશમાં તેણે પોતાની પત્નીની હત્યા કરી નાખી છે. હાલ આરોપી પતિ હાથવેંતમાં છે. અને પુત્રની ફરિયાદ નોંધાવની તજવીજ હાથ ધરી છે.