કલા મહાકુંભમાં સાત હજારથી વધુ સ્પર્ધકો ભાગ લે, તે માટેના પ્રયાસો હાથ ધરવા બેઠકમાં ચર્ચા વિચારણા કરાઇ મોરબી : રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સાંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વય-જુથના કલા પ્રેમીઓને સ્ટેજ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. કલા મહાકુંભના યોગ્ય આયોજન માટે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને કલા મહાકુંભના આયોજન તેમજ કામગીરી માટે જિલ્લાકક્ષાની અમલીકરણ સમિતિની બેઠક મળી હતી. ગત ગુરુવારે જિલ્લા કલેક્ટર કોન્ફરન્સ હોલમાં કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેક્ટર કેતન પી. જોષીની વિશેષ ઉપસ્થિતિમાં મળેલ બેઠકમાં તાલુકા તેમજ જિલ્લાકક્ષાએ યોજાનાર કલા મહાકુંભના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઇ હતી. કલા મહાકુંભના આયોજન અંગે મળેલ બેઠકમાં રસ ધરાવતા બાળકોને કલા મહાકુંભમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. ગત વર્ષે મોરબી જિલ્લામાં કલા મહાકુંભમાં પાંચ હજારથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જ્યારે આ વખતે સાત હજારથી વધુ સ્પર્ધકો ભાગ લે તે માટેના પ્રયાસો હાથ ધરવા બેઠકમાં ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી. બેઠકના પ્રારંભે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસે કલા મહાકુંભ અંગેની વિવિધ માહિતી આપી હતી. જેમાં આગામી ૧૧/૧ થી ૨૦/૧ સુધી તાલુકા કક્ષાએ, ૨૧/૧ થી ૯/૨ સુધી જિલ્લા કક્ષાએ, ૧૦/૨ થી ૧૯/૨ સુધી પ્રદેશ કક્ષાએ, ૨૦/૨ થી ૨૮/૨ સુધી રાજ્ય કક્ષાએ અને ત્યાર બાદ ૨૯/૨ના રોજ વડનગર ખાતે પૂર્ણાહુતી કાર્યક્રમ યોજાશે. તેવી બેઠકમાં માહિતી આપી હતી. ઉપરાંત કૃતિ પ્રમાણે કન્વીનરોની પણ નિમણૂંક કરીને તાલુકા કક્ષાની સ્પર્ધા માટે સ્થળ ફાઇનલ કર્યાની વિગતો આપવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મયુર પારેખે શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં કલા મહાકુંભમાં ભાગ લે માટે પ્રયાસો હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.