વિહિપના કાર્યકરો આવેદન આપવા પહોંચ્યા તો કમિશનરે મળવાની ના પાડી દેતા કાર્યકરોમાં રોષમોરબી : મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા ચાલતી કામગીરી યોગ્ય કરવા બાબતે મહાનગરપાલિકાના કમિશનરને આવેદન પત્ર પાઠવવા મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો આજે મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. જો કે કમિશનરે વિશ્વ હિન્દુ પરિષદના રજૂઆત કરવા આવેલા કાર્યકરો અને હોદ્દેદારોને મળવાની ના પાડી દેતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો હતો. મહત્વનું છે કે, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે મોરબી મહાનગરપાલિકા કચેરીએ વિવિધ રજૂઆતો સાથે આવેદનપત્ર આપવાનું નક્કી કરાયું હતું. જેમાં વિહિપની રજૂઆત હતી કે, મોરબીમાં સ્મશાનની બાજુમાં આવેલા વોકળા પર બનેલી યદુનંદન ગૌશાળાનું બાંધકામ અવરોધરૂપ હોય તોડી પાડવામાં આવ્યું છે. તો ગૌશાળાના બાંધકામની સીધી લીટીમાં આવેલા મકાન કેમ પાડવામાં નથી આવ્યા ? કાલીકા પ્લોટમાં કે જ્યાંથી શનાળા રોડ અને રવાપર રોડનો પાણીનો નિકાલ છે ત્યાં પણ દબાણ થયેલ છે. મનપા દ્વારા વોકળો સાફ કરવામા આવેલ છે પણ ત્યાં આવેલ દબાણો દુર કરવામાં આવેલ નથી. આ વોકળા ઉપર આર.સી.સી.ના ધાબા પણ ભરી દેવામા આવ્યા છે.મોરબીની ઐતિહાસિક ધરોહર મણીમંદિરની બાજુમાં જે દબાણ થયેલ છે તેનો કેસ પણ ચાલુ છે તો તેના લાઇટ અને પાણીના જોડાણ બાબતે કેમ હજુ સુધી ચાલુ હોય એ બાબતે યોગ્ય કરવા, મહાનગરપાલિકાની પોતાની જગ્યા (પવડીનો ડેલો)માં પણ ગેરકાયદેસર દબાણ છે જે ધ્યાને લેવા, ઘણા વિસ્તારોમાં ધ્યાને એવું પણ આવેલું છે કે જેમાં મનપાનું જે.સી.બી. એક બાજુથી જઇને સડસડાટ બીજી બાજુ ડિમોલેશન કર્યા વિના પસાર થઈ ગયુ હોય, ડીમોલેશનની કામગીરી અંતર્ગત નગરમાં આવેલ હરતા-ફરતા પશુઓના અવેડા પણ તોડી પાડવામાં આવેલ છે જેની ફરીથી વિચારણા કરવામા આવે, બે દિવસ પહેલા જ એક વાહનમાંથી માંસ મટનના ટુકડાઓ રોડ ઉપર વિખેરાયા અને ત્યાંથી પસાર થતા લોકો અરુચિને કારણે માનસિક હાલાકીનો ભોગ બન્યા. ત્યારે ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા અને કાયદેસરના કતલખાનાઓને કોર્ટના નિર્દેશ મુજબ નગરની બહાર મૂકવા આ ઉપરાંત અમુક રોડ ઉપર અમુક બાંધકામો તોડવામાં આવ્યા છે તો અમુક બાંધકામો રાખી મૂકવામાં આવ્યા છે તે કામગીરી યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે. આ તમામ માગણીઓને લઈને વિહીપ કાર્યકરો અને જવાબદાર હોદ્દેદારો મહાનગરપાલિકા કચેરીએ કમિશનરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા પરંતુ કમિશનરે મળવાની ના પાડી દીધી હતી અને ડેપ્યુટી કમિશનરને મળવા જણાવ્યું હતું. જેથી વિહિપ કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. કાર્યકરોએ જણાવ્યું હતું કે, સોમવારે લોકોને મળવાનો સમય ખુદ કમિશનરે જ આપ્યો હતો. અમો જ્યારે અરજદાર આવેદનપત્ર સાહેબનું લખીએ ત્યારે કમિશનરને જ મળીને રજૂઆત કરીએ એમના અન્ય અધિકારીને શું કામ મળીએ ? જ્યારે આપણા ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી પણ બધાંને મળતા હોય અને આપણા મોરબી જિલ્લાના કલેક્ટર પણ સીધા બધાને મળતા હોય તો એક મનપાના કમિશનરને મળવામાં શું વાંધો હોય શકે? તેમ વિહીપની યાદીમાં જણાવાયું છે.