પાર્કિગની જગ્યામાં દબાણો ખડકાતા પાલિકા દ્વારા કાર્યવાહી કરાઈમોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગથી ઉમિયા સર્કલ સુધીના માર્ગમાં ટ્રાફિકને નડતરરૂપ તેમજ પાર્કિગની જગ્યા ઉપર ગેરકાયદે દબાણો ખડકાય જતા આજે મોરબી નગરપાલિકા દ્વારા દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 100 જેટલા નાના મોટા ગેરકાયદે દબાણોને હટાવી દેવામાં આવ્યા હતા.મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગથી ઉમિયા સર્કલ સુધીના રોડ ઉપર ગેરકાયદે માંડવા કે સ્ટોલ નાખીને વસ્તુઓનું વેચાણ કરતા તેમજ લારી સહિતના દબાણો કરીને પાર્કિગની જગ્યા દબાવી દેતા વાહનોનું પાર્કિગ ન થઈ શકતા નગરપાલિકા તંત્રએ આજે દબાણ હટાવ કાર્યવાહી કરીને આવા 100 જેટલા દબાણોને હટાવી દીધા હતા. જો કે આ રોડ ઉપર થોડા સમય અગાઉ પણ આવા જ દબાણો થઈ ગયેલા હોવાથી તે વખતે પણ નગરપાલિકા તંત્રએ દબાણો હટાવી દીધા બાદ ફરી પાછા દબાણો થઈ જતા નગરપાલિકાએ આજે દબાણો દૂર કરી પાર્કિગની જગ્યા ખુલ્લી કરાવી હતી. તેમજ આ દબાણકારોને હવે પછી ફરીને દબાણ ન કરવાની કડક સૂચના આપવામાં આવી છે.