મોરબી : ગુજરાતીમાં એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય, અર્થાત જો કોઈપણ કાર્યને લઈને નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવામાં આવે તો તેનું પરિણામ હંમેશા સારું જ આવે છે. આવું જ દ્રષ્ટાંત તાજેતરમાં જાહેર થયેલા બોર્ડના પરિણામો બાદ મોરબી સબ જેલમાં સામે આવ્યું છે. મોરબી સબ જેલમાં બંધ કેદીઓએ ગત દસમા અને બારમા ધોરણની પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા અને કેદમાં રહીને પણ અભ્યાસ ચાલુ રાખ્યો હતો. એટલું જ નહીં ઉત્કૃષ્ઠ પરિણામ પણ મેળવ્યું હતું. ધોરણ 10 માં કુલ 4 કેદીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી કાનજીભાઈ મનસુખભાઇ ડાભી ઉતીર્ણ થયા હતા. જયારે ધોરણ 12માં કુલ 7 કેદીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 2 કેદીઓ કિશોરભાઈ શીવાભાઈ ડાભી તથા ભરતભાઈ જીવરાજભાઈ ડાભીએ બારમાની પરીક્ષા પાસ કરતા મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર તથા હવાલદાર પી.એમ. ચાવડા દ્વારાબોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થનાર કેદીઓનું પુષ્પગુચ્છ દ્વારા અભિવાદન કરી તેઓના મોં મીઠા કરાવાયા હતા. આ તકે આવનારા સમયમાં પણ અન્ય કેદીઓને જેલમાં રહીને પણ અભ્યાસ કરવાની તક મળી રહે એ માટે માર્ગદર્શન અપાયું હતુ.