પોલીસ બાદ હવે મોરબી પાલિકા દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ અંગે ચેકીંગ કરશે મોરબી : કોરોના ભલે હળવો પડી ગયો હોય પરંતુ હવે મોરબી પાલિકા સંક્રમણ ફેલાઇ તેવું જરાપણ ઇચ્છતી નથી. માટે જ પાલિકા દ્વારા મોરબી શહેરના તમામ વેપારીઓને કોરોના આરટીપીસીઆર ટેસ્ટ કરાવી લેવા તાકીદ કરી છે. અને જો ટેસ્ટ કરાવ્યા વગર કોઈ વેપારી વેપાર કરતા માલુમ પડશે તો દુકાન સીલ કરવામાં આવશે. તેવી સ્પષ્ટ ચેતવણી આપી છે અને ટુક સમયમાં જ આરટીપીસીઆર ટેસ્ટ અંગે ચેકીંગ પણ શરૂ કરશે. મોરબી નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લીમેન્ટ એકટ તથા ગુજરાત વ્યવસાય વેરા અધિનિયમ હેઠળ નોંધાયેલ વેપારીઓ દુકાનદારોને તથા વેપાર ધંધામાં રોકાયેલ તાબાના કર્મચારીઓને RTPCR TEST કરાવ્યા બાદ જ વેપાર ધંધો કરવા તાકીદ કરી છે. વેપારીઓ (1) મોરબી નગરપાલિકા કચેરી, ગાંધી ચોક, મોરબી (2) અર્બન હેલ્થ સેન્ટર, વીસીપરા, મોરબી (3) અર્બન હેલ્થ સેન્ટર, બાલ મંદિર ઈમારત, સો ઓરડી, મોરબી-2 (4) અર્બન હેલ્થ સેન્ટર, પરસોતમ ચોક, કાલીકા પ્લોટ, મોરબી અને (5) અર્બન હેલ્થ સેન્ટર, ગોકુળનગર, શનાળા રોડ, મોરબી ખાતે આરટીપીસીઆર ટેસ્ટ કરાવી શકશે. આગામી સમયમાં મોરબી નગરપાલિકા કચેરી દ્વારા RTPCR TEST કરાવ્યા અંગે ચકાસણી કરવામાં આવશે. જે વેપારીઓ પાસે RTPCR TEST ઉપલબ્ધ ન હોય તે દુકાનને નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવશે. તેવું સ્પષ્ટ પણે જણાવાયું છે.