હળવદના નવા માલણીયાદ ગામે પ્રેમલગ્ન કરનાર યુવકના પિતા ઉપર હુમલો, પગ ભાંગી નાખ્યા હળવદ : હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે પ્રેમલગ્ન કરનાર યુવકના પિતા ઉપર યુવતીની માતા સહીત ચાર આરોપીઓએ લોખંડના પાઇપ વડે હુમલો કરી બન્ને પગ ભાંગી નાખી આજે તો માર જ માર્યો છે હવે જો અમારી દીકરી પાછી નહીં આપો તો આખા પરિવારને જાનથી મારી નાખશું તેવી ધમકી આપતા આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં યુવતીના માતા, નાની સહીત ચાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા ગોરધનભાઇ કરસનભાઇ પરમારના પુત્ર કલ્પેશે આરોપી ચકુબેન ધીરૂભાઇ ભાટીયાની પુત્રી સાથે પ્રેમલગ્ન કર્યા હોય ગત તા.5ના રોજ આરોપી વિજયભાઇ ઉર્ફે કારો ભુપતભાઇ ડોડીયા રહે.જુના માલાણીયાદ, ચકુબેન ધીરૂભાઇ ભાટીયા, ચકુબેનના માતા દેવુબેન તેમજ એક અજાણ્યો માણસ ગોરધનભાઈના ઘેર ધસી આવ્યા હતા અને લોખંડના પાઇપથી હુમલો કરી ફરિયાદી ગોરધનભાઈના બન્ને પગ ભાંગી નાખતા આ ઝઘડામાં ગોરધનભાઇના પત્ની વચ્ચે પડતા આરોપીઓએ વધુ માર મારતા અટકી ગયા હતા.વધુમાં ચારેય આરોપીઓએ જતા જતા જણાવ્યું હતું કે આજે તો માર જ માર્યો છે જો અમારી દીકરી પાછી નહીં આપો તો હવે આખા પરિવારને જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. આ મામલે ફરિયાદી ગોરધનભાઇ કરસનભાઇ પરમારે ચારેય આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવતા પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.