મોરબીમાં ઠેક ઠેકાણે ગેરકાયદે હોર્ડિંગના ખડકલા : ચીફ ઓફિસર કહે છે તમામ ગેરકાયદે હોર્ડિંગ ઉતારાશે મોરબી : મોરબી નગરપાલિકાએ થોડા સમય પહેલા જ ગેરકાયદે હોર્ડિંગ્સને દૂર કરવાની ઝુંબેશ આદરી હતી. પણ નગરપાલિકાની આ ઝુંબેશનું સુરસુરીયું થઈ ગયું હોય એવી પરિસ્થિતિ સામે આવી છે. જે - જે સ્થળે નગરપાલિકાએ હોડીગ્સ હટાવ્યા હતા તેમાંથી એમુક સ્થળે ફરી હોર્ડિંગ્સ ખડકી દઈ હોર્ડિંગ્સ કોન્ટ્રાક્ટરોએ પાલિકાને રોક શકો તો રોકલોની ચેલેન્જ આપી હોય તેવું જણાઈ રહ્યું છે. મોરબીમાં વર્ષોથી જ્યાં જુઓ ત્યાં જાહેર કે ખાનગી મિલ્કતમાં ગેરકાયદે હોડીગ્સ ખડકાયા હોવાથી લાંબા સમયના અંતે નગરપાલિકા તંત્રએ આળસ ખંખેરી આવા હોર્ડિંગ્સ સામે લાલ આંખ કરી હતી અને થોડા સમય પહેલા જ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં જે જે સ્થળે ખડકાયેલા ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ કરીને સામાકાંઠે એલ. ઇ.કોલેજ તરફ જવાના રસ્તે તંત્રએ થોડા દિવસ પહેલા હોડીગ્સ હટાવી દીધા બાદ હવે ફરી આ જ સ્થળે હોડીગ્સ ખડકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાની હોર્ડિંગ દૂર કરવાની કામગીરી પણ અધવચ્ચે જ અટકી ગઈ છે. અને હજુ અનેક જગ્યાએ ગેરકાયદે હોર્ડિંગ ઉતારવામાં આવ્યા નથી. શહેરના પોશ વિસ્તાર રવાપર રોડ ઉપર ,પરાબજારમાં આવેલી એસબીઆઈ બૅંક પાસે, શાક માર્કેટ નજીક હોડીગ્સ ખડકી દેવાયા છે. આ સ્થળે તો મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા ત્યાંરથી તેમનું હોર્ડિંગ્સ લાગેલું છે. મુખ્યમંત્રી પણ બદલાઈ ગયા છતાં આવા હોર્ડિંગ્સ દૂર થયા નથી તે તંત્રની સૌથી મોટી બેદરકારી છે. આવી રીતે સરકારી યોજનાના ઘણા હોડીગ્સ પણ ઘણા સ્થળોએ લાગેલા છે. નગરપાલિકા હોડીગ્સ ઉતારે કે તરતજ બે ત્રણ દિવસમાં ફરી હોડીગ્સ લાગી જતા હોવાથી ખાનગી પાર્ટીઓ તંત્રને રોક શકો તો રોક લો ની જેમ ખુલ્લેઆમ ચેલેન્જ કરી રહી છે. શહેરમાં ફરીથી હોડીગ્સ લાગવા મામલે ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, થોડા દિવસોથી હોડીગ્સ હટાવવાની કામગીરી બંધ હતી. હવે ફરીથી આ કામગીરી શરૂ કરાશે અને જે જે સ્થળે ફરીથી હોડીગ્સ લગાવ્યા છે તે તમામને દૂર કરવામાં આવશે. જો કે અમુક સ્થળે ઘણા સમયથી હોર્ડિંગ્સ હોય તંત્રને કોની શેહ શરમ નડે છે ? શું આવા હોડીગ્સ દૂર થશે ખરા ? તેવો સવાલ ઉઠ્યો છે.