વર્ષની પ્રથમ ખરીદીના રૂપમાં મીઠાની ખરીદી કરીને વિક્રમ સંવતના નવા વર્ષને આવકારાય છેમોરબી : કારતક સુદ એકમ એટલે બેસતું વર્ષ. આ દિવસે લોકો એકબીજાને મળી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. આની સાથે તળાવમાંથી મીઠું કાઢવાની એક પ્રાચીન પરંપરા પણ જોડાયેલી છે. જે સબરસ તરીકે ઓળખાય છે. નવા વર્ષની વહેલી સવારે મહિલાઓ વર્ષની પ્રથમ ખરીદીના શુકનના રૂપમાં મીઠાની ખરીદી કરીને વિક્રમ સંવતના નવા વર્ષને આવકારતી હોય છે.ખાસ કરીને ગુજરાતીઓ અને તેમાં પણ ગામડાના લોકો નવા વર્ષને અનોખી રીતે ઉજવે છે. નવા વર્ષને આવકારવા ઘર આંગણે રંગબેરંગી રંગોળી બનાવે છે. આ દિવસે સવારે નવા કપડાં પહેરી લોકો દેવદર્શન કરવા જાય છે. વડીલોના આશીર્વાદ મેળવે છે. ત્યારબાદ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા નીકળી પડે છે. આ બધી પરંપરાઓ આજે ફક્ત ગામડાઓમાં જ જોવા મળે છે.નવા વર્ષને દિવસે શુકન એટલે કે સબરસ ખરીદવાને લઈને ધાર્મિક પરંપરા જોવા મળે છે. સબરસમાં નમક, કંકુ અને મગનો સમાવેશ થતો હોય છે. વિક્રમ સંવંતના નવા વર્ષની શુકનવંતી ખરીદી માટે પણ સબરસ કે શુકન ખૂબ મહત્વનું મનાય છે. ઉલ્લેખનીય છે કે સબરસમાં મીઠું ખરીદવાની પ્રથા સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મિણીજીની કથા પ્રચલિત છે.દિવાળીની પાછલી રાત અને નવા વર્ષની વહેલી સવારે મહિલાઓ શુકનની ખરીદી કરીને નવા વર્ષની શુકનવંતી ખરીદીનો પ્રારંભ કરે છે. શુકન સાથે જોડાયેલી ધાર્મિક પરંપરા આજે પણ જોવા મળે છે. કહેવાય છે કે આજના દિવસે શુકનની ખરીદી કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશતી નથી અને સાથેસાથે માંગલિક અને શુભ કાર્યનું આયોજન થાય, તેવા હેતુ માટે પણ શુકનની ખરીદી થતી હોય છે.