કંપની દાદાગીરી, તાનાશાહી અને બળજબરીથી ખેતરોમાં વીજ લાઈન નાખી રહી હોવાના આરોપ સાથે ખેડૂતોનું મામલતદારને આવેદન હળવદ : હળવદ તાલુકાના શિરોઈ, નવા દેવડિયા, જૂના દેવડિયા, ઈશ્વરનગર, સુસવાવ, મેરૂપર, કોયબા, ઘનશ્યામપુર, રાણેકપર, અને કેદારિયા ગામના ખેડૂતોએ 765 KV D/C KPS-2 (GIS) - Halvad હેવી વીજલાઇન નાખી રહેલી કંપની વિરુદ્ધ મામલતદાર કચેરી, હળવદ ખાતે આવેદનપત્ર સુપરત કર્યું છે. ખેડૂતોએ કંપની પર દાદાગીરી, તાનાશાહી, બળજબરી અને મનમાનીનો આરોપ લગાવ્યો છે.આવેદનપત્રમાં ખેડૂતોએ જણાવ્યું છે કે, વીજલાઇન કંપની SRP અને પોલીસની મદદથી ખેડૂતોની ખાનગી માલિકીની જમીનમાં બળજબરીપૂર્વક પ્રવેશી રહી છે અને ઉભા પાકને નુકસાન કરી રહી છે. ખેડૂતોએ આ અંગેના વીડિયો અને પુરાવા હોવાનો પણ દાવો કર્યો છે.ખેડૂતોએ મામલતદારને તાત્કાલિક અસરથી કંપનીનું કામ રોકવા માંગ કરી છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી બે દિવસમાં કામ રોકવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે, જેમાં ટ્રેક્ટરો સાથે રસ્તા રોકો આંદોલન, મામલતદાર અને કલેક્ટર કચેરીનો ઘેરાવ, અને જો માંગણીઓ નહીં સંતોષાય તો આત્મવિલોપન જેવા પગલાં લેવાની ફરજ પડશે. ખેડૂતોએ આ તમામ પરિણામોની જવાબદારી તંત્ર પર રહેશે તેમ જણાવ્યું છે.ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરવા માટે સમય ફાળવવાની પણ માંગ કરી છે. તેમણે ભવિષ્યમાં કંપની ખેડૂતોની પૂર્વ મંજૂરી વિના જમીનમાં પ્રવેશ ન કરે તેવી વ્યવસ્થા ગોઠવવા પણ માંગ કરી છે.