આમ આદમી પાર્ટીએ પાલિકા તંત્રને આવેદનપત્ર આપી ઉકરડાના ગંજ દૂર કરવાનું અલ્ટીમેટમ આપ્યું મોરબી : મોરબીમાં નિભર તંત્રની ધોર બેદરકારીના પાપે ઠેરઠેર ઉકરડાના ગંજ ખડકાયા છે.આ બાબતે અનેક રજુઆત કરવા છતાં પાલિકા તંત્ર ઉકરડા નાબૂદ કરવા માટે કોઈ ઠોસ કદમ ન ઉઠાવતા અંતે આમ આદમી પાર્ટીએ આજે પાલિકા તંત્રને આવેદનપત્ર આપીને તા.8મી સુધી ઉકરડાની નાબુદી કરવાની અલ્ટીમેટમ આપ્યું છે.અન્યથા 9મીથી આંદોલન કરવાનું એલાન આપ્યું છે. મોરબી આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાક સમયથી ઉકરડા નાબુદી અભિયાન ચલાવીને પાલિકા તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરી રહી છે.આમ આદમી પાર્ટીના જણાવ્યા મુજબ મોરબી નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી કાયમી ચીફ ઓફિસરની નિમણુક થઈ ન હોવાથી લોકોને સ્પર્શતી સમસ્યાઓ અણઉકેલ રહી ગઈ છે.ખાસ કરીને સફાઈનો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે.જેમાં સફાઈના અભાવે ઠેરઠેર કચરાના ગંજ ખડકાયા છે.શહેરના મુખ્યમાર્ગો, શેરી ગલીમાં ઉકરડાના ગંજ પાલિકા તંત્રની ગંભીર બેદરકારીની ચાડી ખાઈ રહ્યો છે.ઉકરડાના ગંજને કારણે બેસુમાર ગંદકી ફેલાઈ રહી છે.મુખ્યમાર્ગ પર કચરાના ગંજ ખાવા માટે રઝળતા ઢોર ઝઘડતા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. .તેમજ લોકોના આરોગ્ય પર ગંભીર અસર વર્તાઈ રહી છે.જેમાં હાલ ચોમાસાની સીઝનમાં વરસાદના પાણી ઉકરડામાં ફેલાવવાથી ગંદકીની સમસ્યા વકરે તેવી ભીતિ છે.આથી આ ગંભીર બાબતે આમ આદમી પાર્ટીએ અનેકવાર રજુઆત કરીને પાલિકા તંત્રનો કાન અમાળવાનો પ્રયાસ કર્યો હતો.આટલું ઓછું હોય તેમ થોડા દિવસો પહેલા પાલિકા તંત્રને નિભર તંત્રનો એવોડ આપ્યો હતો .તેમ છતાં પાલિકા તંત્રને જરાય લાજ શરમ ન આવી હોવાથી આજે મોરબી આમ આદમી પાર્ટીના પ્રમુખ પરેશભાઈ પારિયાએ પાલિકા તંત્રને આવેદન આપી ઉકરડા નાબૂદ કરવા માટે આગામી તા.8 સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.તેમ છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરે તો તા.9ના રોજ અદોલન કરવાની ચીમકી આપી છે.