બેનર લાગતા જ રાજકીય આગેવાનોના આંટાફેરા વધ્યાની ચર્ચા મોરબી : મોરબીના અવની ચોકડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઘેરી બની હોય, આ સમસ્યા 1 માસમાં નહિ ઉકેલાય તો નેતાઓને મત માંગવા માટે અહીં ન આવવા દેવાના બેનરો લાગતા રાજકારણ ગરમાયુ છે. જો કે આ બેનરને પગલે રાજકીય આગેવાનોના વિસ્તારમાં આંટાફેરા વધી ગયાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની અવની ચોકડી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો રહેતો હોય, સ્થાનિકોએ અગાઉ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમ છતાં પાણી ભરાવાનું યથાવત રહેતા હેરાન થઇ રહેલા સ્થાનિકોએ અવની ચોકડીએ બેનર લગાવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે જો રસ્તાનું અને ડ્રેનેજનું સરખું કામ કરીને પાણી નિકાલનો પ્રશ્ન જો 1 મહિનામાં ઉકેલવામાં ન આવે તો વિધાનસભાની ચૂંટણી માટે કોઈ રાજકીય માણસોએ મત માંગવા આવવું નહિ. આ બેનરને પગલે સ્થાનિકોના જણાવ્યા અનુસાર રાજકીય આગેવાનોના આટાફેરા વધી ગયા છે અને સ્થાનિકોને સમજાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.