પોશ વિસ્તારની સોસાયટીના મોટો સંખ્યામાં લોકોએ કલેકટર કચેરીએ મોરચો માંડ્યો, વરસાદી પાણીની કાયમી સમસ્યાના નિરાકરણ માટે અલ્ટીમેટમ આપ્યું મોરબી : મોરબીના પોશ વિસ્તારમાં આવેલ અવની ચોકડીએ વરસાદી પાણીના કાયમી નિરકારણ માટે આજે નક્કી થયેલી રણનીતિ મુજબ અવની ચોકડી આસપાસની સોસાયટીઓના મોટી સંખ્યામાં લોકોએ કલેકટર કચેરીમાં મોરચો માંડ્યો હતો અને વરસાદી પાણીની સમસ્યા ઘણા સમયથી હોવાથી અનેક રજુઆત કરવા છતાં તંત્રની ઉંઘ ઊડતી ન હોવાથી કાયમી હાડમારી ભોગવવી પડતી હોવાનો બળાપો ઠાલવ્યો હતો. અવની ચોકડીએ વરસાદી પાણી ભરાવવાથી આસપાસની અનેક સોસાયટીના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની વ્યવસ્થા સાથે લોકોએ અવની ચોકડી રોડ વ્યવસ્થા સમિતિના નેજા હેઠળ કલેકટરને આવેદન આપ્યું હતું. આવેદનમાં અવની ચોકડીએ પાણી ભરાવાની સમસ્યાનો હાલ ન થાય તો વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. અવની ચોકડી પોશ વિસ્તારનો હાર્દ આ વિસ્તારમાં આજુબાજૂની અનેક સોસાયટીને સ્પર્શતો હોવાથી આશરે 2 હજારથી વધુ ફ્લેટ ધારકોને વર્ષોથી અવની ચોકડીએ દર વર્ષે ચોમાસામાં ભરાતા વરસાદી પાણીનો પ્રશ્ન સતાવે છે. એકાદ બે ઈંચ વરસાદમાં પણ અવની ચીકડી વિસ્તારમાં જળબંબાકાર થઈ જાય છે. હાલ ચોમાસામાં તાજેતરમાં પાંચ જેવા વરસાદમાં અવની ચોકડી વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો અને ઉપરથી વરસાદ રહી ગયા બાદ પણ દિવસો સુધી વરસાદી પાણીનો નિકાલ ન કરતા સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. સંબધિત તંત્ર અને સ્થાનિક નેતાગીરીને અનેક રજુઆત કરવા છતાં વરસાદી પાણીનો નિકાલ થયો ન હતો.સ્થાનિકો જ્યાં સુધી વરસાદી પાણીનો કાયમી નિકાલ નહિ ત્યાં સુધી કોઈ વાત નહિનો મક્કમ નિર્ણય કરીને આ મુદ્દે અવની ચોકડીએ તાજેતરમાં મીટીંગ યોજી હાલના તબબકે આજુબાજુના લોકો પોત પોતાના લેટરપેટમાં કલેકટરને આવેદન આપશે એવું નક્કી થયું હતું. દરમિયાન આજે અવની ચોકડી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ અને નબળા રોડ મુદ્દે આજે સ્થાનિક લોકોએ કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 10 માં આવતા અવની ચોકડી વિસ્તારમાં આશરે 10થી 12 સોસાયટીઓ આવેલ છે જે તમામ સોસાયટીનો મેઇન રોડ અવની ચોકડીથી હનુમાન મંદિરનો છે. આ રોડ પર છેલ્લા ચારેક વર્ષથી દર ચોમાસામાં વરસાદી પાણી ભરાય જાય છે પરંતુ આ વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી. આ વિસ્તારમાં આશરે 10 થી 12 હજાર લોકોનો વસવાટ છે અને સવારે બાળકોને શાળાએ જવામાં તેમજ મહિલાઓને જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા જવા માટે ઘણી મુશ્કેલી પડી રહી છે. આ બાબતે અમે અમારા વોર્ડના ચાર કાઉન્સીલરો, મોરબી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ તથા નગરપાલિકાના ચીફ ઓફિસરને મૌખિક રજુઆતો કરેલી છે. આ ઉપરાંત સ્થાનિક રહેવાસીઓ દ્વારા મોરબી માળીયાના ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ બાબતે કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવેલ નથી જેથી આ બાબતે આપશ્રીને લેખિત રજૂઆત કરવાની ફરજ પડી છે.આથી કલેકટર તેમના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ અને રોડ બાબતે સ્થાનિક અધિકારીઓ કે પદાધિકારીઓને સુચના આપીને ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. આ વિસ્તારની સમસ્યા કલેકટર મારફત વહેલી તકે ઉકેલ આવશે તેવી અમોને આશા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જો અમારા વિસ્તારની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર વિસ્તારના મતદારો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવા જણાવ્યું છે.