છેલ્લા એક મહિનાથી ચાલતા અધ્યાપકોના આંદોલનને ચૂંટણી પહેલા તેજ બનાવાયું મોરબી : આશરે એક દાયકા કરતા વધુ સમયથી કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (CAS) તેમજ વિનંતી બદલી સહિતના પડતર પ્રશ્નોની રજૂઆત સરકારમાં વિવિધ સ્તરે વારંવાર કરવા છતાં કોઈ હકારાત્મક ઉકેલ ન આવતાં સરકારના સૌથી નિષ્ઠાવાન અને શાંત-સૌમ્ય કર્મચારી એવા રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો એક મહિના ઉપરાંતના સમયથી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે જો તા.20 સુધીમાં પડતર પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો સરકારી કામગીરીનો બહિષ્કાર કરવા ચીમકી ઉછરી છે. શિક્ષણ વિભાગના તાબા હેઠળ આવતા ઉચ્ચ શિક્ષણના અધ્યાપકોને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (સીએએસ) નો લાભ આપવામાં આવ્યો છે પરંતુ તે જ શિક્ષણ વિભાગના તાબા હેઠળના ટેકનીકલ શિક્ષણના અધ્યાપકો કે જે સરકારના કેટલાય કાર્યક્રમોને સફળ બનાવે છે તેઓને સીએએસના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકોની રજુઆતમાં કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (સીએએસ): તા. 01/01/2016 બાદ યોગ્યતા ધરાવતા અઘ્યાપકો ને સીએએસ હેઠળ ઉચ્ચતર પગાધોરણના લાભ આજદિન સુધી મંજૂર કરાયેલ નથી. 2010/2011માં સહાયક પ્રાધ્યાપક તરીકે સેવા માં જોડાયેલ અઘ્યાપકો આજે 12 વર્ષે બબ્બે ઉચ્ચતર પગારધોરણ માટે લાયક હોવા છતા આજે પણ સેવામાં જોડાયા સમયના પગારધોરણ માં જ ફરજ બજાવે છે, જે દયનીય છે. વિનંતી બદલી: 8/10 વર્ષ થી પણ વધુ સમય થી એક જ સંસ્થા ખાતે ફરજ બજાવતા વર્ગ-1 અને વર્ગ-2 ના અઘ્યાપકો ને સ્વ વિનંતી બદલીના કિસ્સામાં સરકાર મૂકબધિર રીતે વર્તે છે. સામાન્ય વહીવટ વિભાગના વખતો વખત ના ઠરાવ અન્વયે ગુજરાત સરકારના મોટાભાગના વિભાગોમા સ્વ વિનંતી તેમજ પતિ પત્નીના કિસ્સામાં બદલી થયેલ છે. માત્ર ટેકનિકલ શિક્ષણ વિભાગના અધ્યાપકોને જ આ લાભથી વંચિત રાખવામાં આવેલ છે. સરકારના આવા ભેદભાવ ભર્યા વલણને લીધે ટેકનીકલ શિક્ષણના અધ્યાપકોમાં ભારોભર નિરાશા અને રોષ વ્યાપેલ છે. વર્ષ 2012 બાદ અપવાદરૂપ અને ખાસ કિસ્સાઓને બાદ કરતાં આજે 10 વર્ષથી સરકારી ઇજનેરી કોલેજોની મોટાભાગની વિદ્યાશાખાઓ માં સહાયક પ્રાધ્યાપક (વર્ગ -2) થી સહ પ્રાધ્યાપક (વર્ગ-1) ની બઢતી પ્રક્રિયા હાથ ધરાયેલ નથી. સહ પ્રાધ્યાપક (વર્ગ-1) સંવર્ગ માં અંદાજે 200 કરતા વધારે જગાઓ ખાલી હોઈ અને તેટલા જ પ્રમાણમાં લાયકાત ધરાવતા સહાયક પ્રાધ્યાપકો પણ ઉપલબ્ધ હોવા છતાં આ વિલંબથી તેમની શૈક્ષણિક કારકિર્દીને ગંભીર નુકસાન પહોંચી રહેલ છે. એડહોક સેવા નિયમિત નિમણૂંક સાથે સળંગ શિક્ષણ વિભાગ હેઠળના જ ઉચ્ચ શિક્ષણ વિભાગના સરકારી આર્ટસ, કોમર્સ, સાયન્સ કોલેજોના અઘ્યાપકોને વર્ષો પહેલા આ લાભ આપી દેવામાં આવેલ છે, પરંતુ સરકારી ઇજનેરી કોલેજના અઘ્યાપકોને વર્ષોની રજૂઆત અને દરખાસ્તના અંતે પણ આ લાભ અપાયેલ નથી. હાઇકોર્ટ દ્વારા પણ અલગ અલગ કેસમાં આવા વીસથી વધુ અઘ્યાપકોને આ લાભ આપી દેવા સ્પષ્ટ આદેશ કરેલ છે તેમ છતાં સરકાર દ્વારા આ બાબતે ઉદાસીન વલણ દાખવવામાં આવી રહેલ છે સમાનતા જેવા મૂળભૂત બંધારણીય અધિકારના હનન સમાન છે.વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને ખોરવ્યા વિના અધ્યાપકો આંદોલન કરી રહ્યા છે. અન્ય વિભાગોની જેમ કાર્ય ખોરવી નાખતા ન હોવાને કારણે જ સરકાર અધ્યાપકોના અંદોલનને ગંભીરતાથી નથી લેતી તેમ અધ્યાપકોનું માનવું છે. મંડળના પ્રતિનિધિઓની શિક્ષણમંત્રી સાથે થયેલ બેઠકમાં મંત્રીએ બાંહેધરી આપેલ તેમજ નાણાં વિભાગને સૂચના કરેલ હોવા છતાં હજી સુધી કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (સીએએસ) તેમજ અન્ય પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવેલ નથી. ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થવાને હાલ ગણતરીના જ દિવસો બાકી હોઈ, અધ્યાપકો ની ધીરજ ખૂટી રહેલ છે. વર્ષોથી પડતર પ્રશ્નો બાબતે કોઈ હકારાત્મક ઉકેલ ન આવતા સરકારના નકારાત્મક અને અસંવેદનશીલ વલણના કારણે રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો પ્રતિક ઉપવાસ સહિતના આંદોલનાત્મક કાર્યકમ ચાલુ રાખશે. અને અંતમાં તા.20 ઓક્ટોબર સુધીમાં જો પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ નહી આવે તો ત્યારબાદ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ભોગે કોઈપણ સરકારી કાર્યક્રમમાં સોપવામાં આવેલ ફરજનો બહિષ્કાર કરવો તેવી ચીમકી આપી છે.