જાગૃત નાગરિકે સ્થાનિક તંત્રને અનેક રજુઆત કરવા છતાં દિવસે વીજળીનું દુવ્યય બંધ ન થતા અંતે વ્હોટ્સેપમાં સીએમને રજુઆત કરી ; વીજ બચતની દુહાય દેતું તંત્ર જ ખુદ વીજળીનો વ્યય કરીને પ્રજા માટે ખોટું આર્થિક ભારણ નાખતું હોવાનો બળાપો ઠાલવ્યો મોરબી : મોરબીમાં ધોળા દિવસે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઈટનો લાંબા સમયથી સળગતો પ્રશ્ન છે. એક બાજુ તંત્ર લોકોને વીજ બચત કરવાની દુહાય આપે છે અને બીજી બાજુ ખુદ તંત્ર જ દિવસે લાઈટો ચાલુ રાખી વીજળીનો ખોટો વ્યય કરીને પ્રજા માથે ભારે આર્થિક બોજો નાખે છે. કોના બાપની દિવાળીની જેમ લાંબા સમયથી શહેરમાં મુખ્યચોક કે મુખ્યમાર્ગ કે શેરી ગલી બધેય સ્ટ્રીટ લાઈટ દિવસે ચાલુ રહેતી હોય છતાં તંત્ર આંખ આંડા કાન કરીને વીજળીનો ખોટો બગાડ કરતું હોવાથી અંતે એક જાગૃત નાગરિકે વ્હોટ્સેપમાં સીએમને રજુઆત કરી હજુ પણ વીજળીનો ખોટો બગાડ ન અટકે તો ઉપવાસી છાવણી નાખીને નહિ પણ પોતાના કામની જગ્યાએ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે. મોરબીના જાગૃત નાગરિક અનિરુદ્ધ પટેલ અને તેમની ટીમે વ્હોટ્સેપમાં સીએમની ઓફિસમાં રજુઆત કરી હતી કે,મોરબી શહેરમાં લાંબા સમયથી ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટ ચાલુ જ રહે છે. તે પણ ત્રણ ચાર વર્ષથી. અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ અસર થઈ નથી મોરબી નગરપાલીકાને ચીફ ઓફિસર, ઉપપ્રમુખ, લાઈટ વિભાગમાં પાટીલભાઈને પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઇ અસર ન થતા અંતે સીએમ ઓફિસ પર વોટ્સએપ પર ફરિયાદ કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે, મોરબી નગરપાલીકા વિસ્તારમાં આવેલી સ્ટ્રીટ લાઈટો ત્રણ વર્ષથી ધોળા દિવસે પણ ચાલુ જ રહે છે ત્રણ વર્ષથી તેઓ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઇ પણ જાતની અસર થતી નથી. આ પ્રજાના ટેક્સના પૈસા છે તે વિકાસ માટે હોય છે. પણ વીજળીના ખોટા વ્યયથી પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે. આવી રીતે દેશનો ક્યાંથી વિકાસ કરી શકાશે ? સતત ત્રણ વર્ષથી અનેક લાઈટો ઓવર હિટ થવાથી ખરાબ થઈ જાય છે અને રીપેરીંગના નામે ભ્રષ્ટાચાર થતો હોય છે. પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસરને અનેકવાર રજૂઆતો કરી હતી પરંતુ ભ્રષ્ટાચાર કરે છે. વીજળીનો વ્યય થાય છે. ગાંધીનગર ઊર્જા વિભાગમાં પણ જાણ કરી હતી પણ કોઈને પડી નથી. જો સીએમ પણ એક્શન નહિ લે તો પણ તેઓની લડાઈ ચાલુ જ રહેશે તેવું જણાવ્યું હતું. ત્રણ વર્ષથી દિવસે સ્ટ્રીટ લાઈટો ચાલુ છે પણ તંત્ર આવું ક્યાં સુધી ચલાવશે? તેવો આક્રોશ વ્યક્ત. કરી હવે અમારી ટીમ ઉપવાસ કરશે પણ કોઈ છાવણી નાખીને નહિ પણ પોત પોતાના કામ પર રહીને ઉપવાસ આંદોલન કરશે.જ્યાં સુધી સ્ટ્રીટ લાઈટોને ટાઇમસર બંધ અને ચાલુ કરવામાં નહિ આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. જો કે ઓવર હીટના કારણે અનેક લાઈટો ખરાબ થઈ જાય છે અને નવી લાઈટો બિલ બનાવી જૂની લાઈટો રીપેરીંગ કરી ખોટા બિલ બનાવી પ્રજાના ટેક્સ ના પૈસા વેડફાઈ જાય છે અને ભ્રષ્ટાચાર થાય છે. તેથી સીએમ ઓફિસમાંથી એક ટીમ બનાવી મોરબી શહેરની બધી સોસાયટી વિસ્તારમાં ચેકીંગ કરે જેથી તેઓને વીજળીના ખોટા વ્યયની ખબર પડે. ૨૬ જાન્યુઆરીથી તેઓ તેમની ટીમ સાથે ઉપવાસ શરૂ કરશે અને આ દરમિયાન અમારી ટીમના કોઈ સભ્યને કઈ પણ થશે તેની જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી આપી છે.